નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો
નડિયાદ: ખેડા જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર ભવન પીજ રોજ નડિયાદ ખાતે નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાની અધ્યક્ષતામાં નારી અદાલતોના કાર્યો, હેતુ, કાર્યપધ્ધતિ અને મહિલાઓના હક્કની જાણકારી માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને ખેડા જિલ્લા પંચાયત નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ તાલુકાનો “નારી સંમેલન” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાએ જણાવ્યું કે નારીશક્તિ એ ભારતની પ્રગતિમાં અમૂલ્ય હિસ્સેદારી આપી રહી છે, ભારતની સર્વોચ્ચ કંપનીઓ અને મોટા સરકારી પદો પર આજે નારીશક્તિ બિરાજમાન છે. કાર્યક્રમની માહિતી આપતા રંજનબેને જણાવ્યું કે નારી સંમેલન દર બે વર્ષે ઊજવવામાં આવે છે. આ સંમેલન ઊજવવાનો મુખ્ય હેતુ મહિલાઓના હક્ક ઉજાગર કરવાનો છે. ગુજરાત સરકાર અનેકવિધ યોજનાઓના માધ્યમથી મહિલાઓને પગભેર કરી રહી છે. રંજનબેન એ ઉત્સાહ સાથે ખેડા જિલ્લાની સખી મંડળોની કામગીરી બિરદાવી તેમની સાહસની ગાથા કહી કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓમાં જુસ્સો વધાર્યો હતો તેમજ સરકારી યોજનાઓના માધ્યમથી કઈ રીતે તે આત્મનિર્ભર બની શકે તે અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું.
મહિલાઓને કાયદાની સમજ આપતા બાળ સુરક્ષા એકમ, નડિયાદના શ્રી કીર્તિબેન જોષીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર મહિલાઓના રક્ષણ માટે ૧૮૧ હેલ્પલાઇન કઈ રીતે મહિલાઓના ઉપયોગમાં આવી શકે તે અંગેની જાણકારી આપી હતી. સાથોસાથ ભરણપોષણ કાયદો, પી.સી. પી એન.ડી.ટી એક્ટ, સ્ત્રીભૃણ હત્યા, જાતીય સતામણી અંગેની માહિતી આપી હતી.
બ્લોક કોર્ડીનેટર શ્રી વંદનાબેન મકવાણાએ નારી અદાલતની જાણકારી આપી જણાવ્યું હતું કે મહિલાઓના હિતોના રક્ષણ માટે નારી અદાલત કાર્યરત છે, ગુજરાતના દરેક જિલ્લામાં નારી અદાલત આવેલી છે. નારી અદાલત મહિલાઓને લગતા પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવે છે. તેમજ શ્રી વંદનાબેને મહિલાઓ કેવી સરકારી યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ફ્રી હેલ્થ ચેકઅપ રાખવામાં આવ્યું હતું જેમાં શરદી, ખાસી, તાવ, બ્લ્ડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી નલીનીબેન પટેલ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન બારોટ, સી.ડી.પી.ઓ નડિયાદ ઘટક-૦૩ના અધિકારીશ્રી ગીતાબેન જાદવ, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ નડિયાદ ઘટક-૦૧ના અધિકારી શ્રી પ્રજ્ઞાબેન મેવાડા અને મોટી સંખ્યામાં નારીશક્તિ ઉપસ્થિત રહી હતી.




