દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા મુખ્ય મંત્રી અને કૃષી, પશુપાલન મંત્રીને ખેડુતોને સહાય ચુકવવા રજુઆત કરી.
નીલ ડોડીયાર
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે – ત્રણ દિવસ પહેલાં કમોસમી વરસાદને પગલે માવઠું પડતાં ખેડુત મિત્રોને પોતાના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે દાહોદ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા તેમજ તેમની સાથે સાથે ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા આ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી અને કૃષી, પશુપાલન મંત્રીને લેખિત રજુઆત કરી ખેડુતોને સહાયરૂપ થવા વળતર ચુકવવા રજુઆત કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં છેલ્લા બે – ત્રણ દિવસથી વીજળીના કડાકા અને ધડાકા સાથે કમોસમી વરસાદને પગલે સર્વત્ર માવઠુ પડ્યું હતું. આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાના ખેડુતોના ઉભા પાકને ખુબજ નુકસાન થવા પામ્યું છે. આ મામલે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ખેડુતોની પડખે ઉભા રહી તેઓની ચિંતા કરી દાહોદ, ગરબાડા તાલુકામાં તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદના કારણે ખેડુતોના ઉભા પાક જેવા કે ઘઉં, ચણા, મકાઈ વિગેરે પાકોને ભારે નુકસાન થવાથી ખેડુતોને ખુબજ નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાથી આ મામલે દાહોદ વિધાન સભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષી, પશુપાલન ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજુઆત કરી દાહોદ, ગરબાડા અને આસપાસના ખેડુતોને રાહત રૂપ યોગ્ય વળતર સહાયરૂપ થવા નમ્ર અરજ કરી હતી.