માતરના ભલાડા ગામના યુવાનાને દુષ્કર્મના કેસમાં ૧૦ વર્ષની સખત કેદની સજા
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
સગીરાને ભગાડી જઇને તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારનાર માતર તાલુકાના ભલાડા ગામના યુવાનને નડિયાદની કોર્ટે કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.માતર તાલુકાના ભલાડા ગામના ધના તળાવ વિસ્તારમાં રહેતા મનુ રમેશભાઈ સોલંકીએ એક પરિવારની સગીર વયની દીકરીને મોહજાળમાં ફસાવી અને તેને પામવા માટે તેણે પ્રયાસો આદર્યા હતા. બાદ મનુ સોલંકીએ ગત ૧૮ જુલાઈ ૨૦૨૦ના રોજ તેણીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો. પછી મનુ સોલંકીએ આ સગીરા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ મામલે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી મનુ સોલંકીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. નડિયાદની પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા ન્યાયાધીશ પી.પી.પુરોહીતે મદદનીશ સરકારી વકીલ રાહુલ જી. બ્રહમભટ્ટની દલીલોને તેમજ ફરિયાદ પક્ષએ કોર્ટમાં ગુના સંબંધી રજૂ કરેલ કુલ ૧૦ સાહેદોના પુરાવા અને કુલ ૨૧ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ આરોપી મનુ સોલંકીને દુષ્કર્મ સહિતના ગુનામાં કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદ અને રૂપિયા ૩૦ હજાર દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે. સાથે સાથે આરોપીએ ભોગ બનનારને રૂા. ૫૦ હજાર વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.