કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ વન દિવસની અનોખી રીતે ઉજવણી
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદ: દર વર્ષે તા. ૨૧ માર્ચને ‘વિશ્વ વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પ્રકારનાં વનો દ્વારા મળતા લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વનોની જાળવણી, જતન અને વ્યવસ્થાપન અંગેની જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. પર્યાવરણના જતન માટે વિવિધ પ્રકારનાં વનોનાં રક્ષણ અને સંવર્ધનની જરૂરિયાત સમજી સરકાર દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં વૃક્ષ આવરણ, જૈવિક વિવિધતામાં વધારો કરવા તેમજ વન સંરક્ષણ અને સંવર્ધનક્ષેત્રે જાગૃતિ લાવવાનાં પ્રયાસનાં ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. વિશ્વ વન દિવસની કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.શાળાના શિક્ષકો દ્વારા વન વિભાગના અધિકારીઓ સાથે શાળાના વિધાર્થીઓને વાત્રક નદીના કોતરોના ગાઢ જંગલમાં લઈ જઈ પ્રકૃતિનો રૂબરૂ પરિચય કરાવવામાં આવ્યો હતો. શહેરીકરણના કારણે હાલમાં બાળકો ગેઇમ ઝોન કે એમ્બ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લેતા હોય છે,ત્યારે નવા બોભા પ્રાથમિક શાળાનો બાળકોને જંગલ વિસ્તારમાં લઈ જઈ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે. શાળા કક્ષાએથી જ વિધાર્થીઓ પ્રકૃતિના પાઠ શીખશે તો સાચા અર્થમાં પર્યાવરણનું જતન અને સંવર્ધન થશે. વન વિભાગના અધિકારીઓએ વૃક્ષો,વનસ્પતિઓ અંગેની માહિતી આપવા સાથે તેના ઔષધીય ગુણો વિશે પણ બાળકોને માહિતગાર કર્યા હતા.બાળકોએ જંગલ વિસ્તારમાં અલ્પાહાર પણ કર્યો હતો. શાળાના અંદાજે ૧૪૫ જેટલા બાળકોએ વન સંપદાની જાણકારી મેળવી પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે સંકલ્પબદ્ધ થયા હતા. શાળાના શિક્ષકો, વન વિભાગના અધિકારીઓ આ પ્રકૃતિ પ્રવાસમાં જોડાયા હતા.



