ફતેપુરા તાલુકાના કાળીયા ગામે એગ્રીકલ્ચર વીજ લાઈન ઉપર વૃક્ષ તૂટી પડતાં ત્રણ વિજપોલ ધરાશાયી : એમજીવીસીએલમાં જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં.
દાહોદ તા.૨૪
સાગર પ્રજાપતિ, @સુખસર
ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલ.નો વહીવટ દિન પ્રતિદિન કથળતો જતો હોવાનું જોવા મળે છે. જેમાં ખાસ કરીને વીજ પ્રવાહમાં ખામી સર્જાતા વીજ ગ્રાહકો કચેરી ખાતે કમ્પ્લેન નોંધાવ્યા બાદ દિવસો સુધી કામગીરી કરવામાં નહીં આવતી હોવાની ફરિયાદો ઉઠે છે.જ્યારે ગત પાંચેક દિવસથી કાળીયા ગામે કણજીનું સૂકુ વૃક્ષ વીજવાયરો ઉપર પડવાથી એગ્રીકલ્ચર વિજલાઈનના ત્રણ વીજપોલ ધરાશાયી થઈ ગયા છે.જેના કારણેવીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતોના તૈયાર થવા આવેલ રવિ સિઝનના પાકો સુકાઇ જવાની સમસ્યા સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.ત્યારે વહેલી તકે વીજપોલ ઊભા કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામે ગરાડુ થી સુખસર તરફ જતા જાહેર માર્ગ થી હોળી ફળિયા તરફ જતી એગ્રીકલ્ચર વિજલાઈન ઉપર કણજીનું સૂકુ વૃક્ષ પડતા પાંચેક દિવસ અગાઉ ત્રણ વીજપોલ ધરાશાયી થઈ ગયા છે.જેના કારણે હાલ એગ્રીકલ્ચર વિજલાઈન બંધ હોય વીજ પ્રવાહ બંધ થઈ ગયેલ છે.જ્યારે બીજી વીજ પ્રવાહ વિના આ લાઇન બંધ થવાથી પાણીના અભાવે ખેડૂતોને રવિ સિઝનના પાકોમા છેલ્લુ પિયર આપવાનું હોય વીજ પ્રવાહ વિના ખેતી પાકો સુકાઈ રહ્યા છે.આ વીજપોલ પડતા તેની તાત્કાલિક કચેરીમાં જાણ કરતા વિજપ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો.જ્યારે પાંચ દિવસ થવા છતાં આજદિન સુધી વીજ પોલ હટાવવામાં આવ્યા નથી કે તેને ઉભા કરવાની તસ્દી લેવાતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે,બે માસ અગાઉ મેઈન રોડથી હોળી ફળિયા તરફ જતી વીજ લાઈન ઉપર કણજી નું સૂકુ વૃક્ષ પડતા એક વીજપોલ ધરાશાયી થયો હતો.અને વીજવાયરો તૂટી પડ્યા હતા.તેની રિપેરિંગ કામગીરી કરી લાઈન ચાલુ કરવામાં આવી હતી.જ્યારે હાલમાં ત્રણ વીજપોલ પડી ગયા છે.જ્યારે હજી પણ આ લાઈન પાસે અનેક વૃક્ષો આવેલા છે.તેમાં સૂકા વૃક્ષ પણ હોય ફરીથી પણ આ લાઈન ઉપર આ વૃક્ષ પડે તો વીજ પોલ તૂટી પડવાનો ભય જોવાઈ રહ્યો છે.ત્યારે આ વીજ લાઈનને અડચણ કરતા તમામ વૃક્ષો કાપવામાં આવે તે પણ જરૂરી છે.
#Dahod #Sindhuuday

