વધુ એક ફાઈનાન્સ કંપનીનો કર્મચારી લુંટારૂ : પુસરી ગામે બે ફાઈનાન્સ કંપનીના કર્મચારીને માર મારી રોકડા રૂ.૧.૨૦ લાખની લુંટ
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લામાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને રોકડા રૂપીયા સાથે લુંટી લેવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. દાહોદ તાલુકાના પુસરી ગામે ઈન્દૌર – અમદાવાદ હાઈવે ખાતે લોનના ઉઘરાણીના નાણાં લઈ પરત આવી રહેલા એક મોટરસાઈકલ પર સવારે બે કર્મચારીઓને નંબર વગરની મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા ત્રણ જેટલા અજાણ્યા ડંડાધારી લુંટારૂઓએ કર્મચારીઓને ડંડા વડે માર મારી શરીરે ઈજા પહોંચાડ્યા બાદ રોકડા રૂ.૧,૨૨,૦૦૦ તથા એક ટેબલેટ, બાયોમેટ્રીક મશીન તેમજ નવી લોનના કાગળોની ભરેલ બેગ લુંટારૂઓ લુંટ નાસી જતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં ચોર, લુંટારૂ ટોળકી સક્રિય બની છે. દાહોદ જિલ્લામાં લોનના ઉઘરાણીના તથા મંડળીના ઉઘરાણીના નાણાં લઈ આવતાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લુંટી લેવાના અગાઉના બે બનાવોની હજી શાહી સુકાઈ નથી ત્યા વધુ એક બનાવ બનતા દાહોદ જિલ્લાના ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓમાં રોષ સાથે ફફડાટની લાગણી ફેલાવા પામી છે. અંદાજે ૧૦ દિવસના સમયગાળા દરમ્યાન આ ત્રીજા બનાવ બનતા જાણે પોલીસ ઘોર નિંદ્રામાં હજુ સુધી સુતી રહી છે તેમ પ્રતિત થઈ રહ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આવા લુંટારૂઓ પર લગામ કસવાની જગ્યાએ પોલીસ દ્વારા હજુ આવા લુંટારૂઓ સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરાતાં જિલ્લાવાસીઓમાં રોષ ફેલાવા પામ્યો છે. અગાઉના બે અને આજના કુલ મળી ત્રણ બનાવોમાં ત્રીજા બનાવ દાહોદ તાલુકાના પુસરી ગામે ઈન્દૌર – અમદાવાદ હાઈવે રોડ ખાતે ગત તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ બનવા પામ્યો હતો જેમાં મુળ માલવણ બસ સ્ટેશન ફળિયુ,તા. કડાણા,જી.મહીસાગર અને હાલ ઝાલોદમાં સાંઈધામ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પ્રતાપભાઈ પગી તથા તેમની સાથેના સહકર્મી શૈલેષભાઈ માવી એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ સાંજના સાડા ચારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન આ રસ્તા પરથી લોનના ઉઘરાણીના રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦ બેગમાં ભરી પસાર થઈ રહ્યા હતા. આ બેગમાં રોકડ રૂપીયા સહિત ટેબલેટ કિંમત રૂ.૨,૫૦૦ તેમજ બાયોમેટ્રીક મશીન આશરે કિંમત રૂ.૧,૫૦૦ એમ કુલ મળી રૂ.૧,૨૬,૦૦૦ ની મુદ્દામાલ ભરેલ બેગ હતી. આ દરમ્યાન એક મોટરસાઈકલ પર સવારથી આવેલ ડંડાધારી અને આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના મોઢે કપડું બાંધેલ ત્રણ જેટલા અજાણ્યા લુંટારૂઓએ રાજેશભાઈની મોટરસાઈકલને ઓવરટેક મારી હતી અને ડંડા વડે રાજેશભાઈ તથા શૈલેષભાઈ પર હુમલો કરી માથાના ભાગે તેમજ હાથના ભાગે બંન્ને કર્મચારીઓને ઈજાઓ પહોંચાડ્યા બાદ રોકડા રૂપીયા તેમજ મુદ્દમાલ ભરેલ બેગની લુંટ કરી લુંટારૂઓ જાતજાતામાં નાસી જતા જિલ્લામાં આ સમાચાર વાયુવેગે ફેલાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે રાજેશભાઈ પ્રતાપભાઈ પગી દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod # Sindhuuday