કઠલાલ દુષ્કર્મ અને હત્યા ના કેસમાં એક શખ્સને આજીવન કેદની સજા
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ: ૧૪ વર્ષિય કિશોરીને વર્ષ ૨૦૦૯માં કઠલાલના સીંકદરપોરડાનો ૨૬ વર્ષનો યુવક ભગાડીને લઇ ગયા બાદ તેણીને વિવિધ સ્થળોએ રાખીને દુષ્કર્મ આચરતા કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. વર્ષ ૨૦૧૪માં કિશોરી ઘરમાં હતી. ત્યારે આ શખ્સ કિશોરીના ઘરે ગયો હતો. અને તેણે કિશોરીના ગળામાં છરાથી ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ કેસમાં કપડવંજ સેન્શન કોર્ટે આરોપી યુવકને આજીવન કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. કઠલાલ લાડવેલ તાબે સીંકદર પોરડામાં રહેતા સોમાભાઇ ઉદાભાઇ ઠાકોરે (પરમાર, ઉ.૨૬) તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ ગામની ૧૪ વર્ષની કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને ફોસલાવીને ભગાડીને લઇ ગયો હતો. ધો.૯માં ભણતી કિશોરી ઘરેથી લાડવેલ ખાતે હાઇસ્કૂલમાં પરીક્ષા આપવા જવછું તેમ કહીને નીકળી હતી. ત્યારબાદ શખ્સ આ કિશોરીને વિવિધ સ્થળો લઇ જઇને તા. ૨૫ જુલાઇ ૨૦૧૩ સુધી તેણીને ગોંધી રાખીને અનેકવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. જેને લઇને કિશોરી પ્રગ્નેટ બની હતી. ત્યારબાદ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. ૧૮ જાન્યુઆરી ૨૦૧૪ નારોજ કિશોરી બાળક સાથે માતાના ઘરે હતી. આ દિવસે બપોરે કિશોરીના માતા ઘર પાછળ વાડામાં ઢોરને પાણી પીવડાવવા ગઇ હતી. ત્યારે કિશોરી ઘરમાં એકલી હતી. ત્યારે ઘરે તેની એકલતાનો લાભ લઇને સોમા ઠાકોરે ધારદાર છરાથી તેણીના ગળાના ભાગે મારીને ગળુ કાપી નાખતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ સંદર્ભે કિશોરીની માતાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી કપડવંજ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. આ કેસની સુનાવણી હાથ ધરતાં સરકારી વકીલ મિનેષ આર. પટેલની દલીલો ,૧૩ સાહેદોના મૌખિક પુરાવા અને ૨૪ દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખીને ન્યાયાધિશ વી.પી. અગ્રવાલે આરોપી સોમભાઇ ઉદાભાઇ ઠાકોરને હત્યાના ગુનામાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.