વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
ગ્રામ્ય વિસ્તારો માટે ૧૭૬૨ વિકાસ કાર્યો માટે રૂ. ૭૧.૧૨ કરોડની ફાળવણીને વહીવટી મંજૂરી
દાહોદ, તા. ૧૦ : જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સમીક્ષા બેઠક સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલકુમારી વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે છેવાડાના ગામડા સુધી પણ સમાનપણે વિકાસકાર્યો પહોંચાડવા જણાવ્યું હતું. વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૩૦૫૫ વિકાસ કાર્યો માટે રૂ. ૧૦૧.૮૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી આજ સુધીમાં ૧૭૬૨ વિકાસ કાર્યો માટે રૂ. ૭૧.૧૨ કરોડની ફાળવણી જુદા જુદા પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી મંજૂરી મળી છે. જયારે ૧૨૯૩ વિકાસ કાર્યો માટે રૂ. ૩૦.૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવાની બાકી છે. સાંસદશ્રીએ જુદા જુદા પ્રોજેક્ટ અંતર્ગતના વિકાસ કાર્યો ઝડપથી પ્રારંભ કરવા માટે જણાવ્યું હતું. આ યોજના અંતર્ગત આદર્શ આદિ ગ્રામ બનાવવા માટે અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને પણ વિકાસની સમાન તક પ્રાપ્ત થાય એ માટેનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ગામ દીઠ રૂ. ૨૦.૩૯ લાખ ફાળવવામાં આવશે. આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ઇન્ડીવિઝયુઅલ અને કોમ્યુનિટી સ્કીમને પહોંચતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.