કલેક્ટરના હસ્તે ૩૭ રાશન કાર્ડ, ૧૪ આવકના પ્રમાણપત્ર અને ૧૮ આધારકાર્ડ આપવામાં આવ્યા.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ડિયાદ: જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે CISS (ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન) અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુપ્રિમ કોર્ટની રીટ પીટીશન નં.SMW(CIVIL) 6/2021 મુજબ CISS (ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન) બાબતે દાખલ કરવામાં આવેલ એક પીટીશન અનુસાર સમગ્ર દેશમાં ફૂટપાથ ઉ૫ર કે જાહેર સ્થળોમાં ખુલ્લામાં રહેતા બાળકો તેમજ ભીખ માંગતા બાળકોના ભવિષ્યને ઘ્યાનમાં લઇ અને આ બાળકોને ભણતર, ઘર તેમજ તેઓના વિકાસ થઇ શકે તે માટે કોઇ સરકારી સહાય મળે છે કે કેમ તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. CISS (ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન) બાબતની ગંભીરતાને ઘ્યાને લઇ સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આવા બાળકોની ઓળખ અર્થે સર્વેની કામગીરી કરવા જણાવવામાં આવેલ હતી. બેઠકમાં CISS (ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન)ના બાળકો માટેની કામગીરીની અગત્યતા સમજાવતા કલેક્ટરએ જણાવ્યું કે આ બાળકો તથા તેમના પરિવારોનો સર્વાંગી ઉત્કર્ષ કરવો આપણી વહીવટી તથા સામાજીક જવાબદારી છે. કલેક્ટર દ્વારા સરકારની વિવિઘ યોજનાઓનો લાભ આ૫વાના હેતુથી જિલ્લાની વિવિઘ સરકારી કચેરીઓના અઘિકારીઓને આ બાળકોની યાદી આપી તેમની યોજનાઓમાં બંઘ બેસતા બાળકોને લાભ આ૫વા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત કલેક્ટર ના હસ્તે ૩૭ રાશન કાર્ડ, ૧૪ આવકના પ્રમાણપત્ર અને ૧૮ આધારકાર્ડ આપવામાં આવ્યા હતા. સાથોસાથ કલેકટર કચેરી અને માતૃછાયા અનાથ આશ્રમ ખાતે બાળકોના રેશનકાર્ડમાં નામ સુધારો તથા આધાર કાર્ડ ફિંગર પ્રિન્ટ મોબાઈલ નંબર અપડેશન તથા આવક સર્ટિફિકેટ માટે કેમ્પ યોજવામાં આવ્યો. જેમા ખેડા જિલ્લાના ૮૩ બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ બાળકોના પરિવારો પૈકી જે પરિવારો પાસે ઈ-શ્રમ કાર્ડ નથી તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટર દ્વારા શ્રમ વિભાગના અધિકારીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સાથેસાથે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને આ બાળકોના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીને જે બાળકોના પિતા નથી તેમની માતાને ગંગા સ્વરૂપા યોજનાનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, સહિત સંલગ્ન કચેરીઓના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.