ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ચેરમેન પદે તેજસ પટેલની બિનહરીફ વરણી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન પદે તેજસ પટેલ ઉર્ફે જીગાભાઇની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેડીસીસી બેંકની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે તેજસ પટેલ સતત પાંચમી વખત બિનહરીફ ચૂંટાયેલા છે. નડિયાદના બુધવારે બેંકના સંભાખંડમા ચેરમેન માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નડિયાદ પ્રાંત અધિકારી જે.એમ.ભોરણીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં બેંકના ૨૧ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં ચેરમેનપદ માટે તેજસ પટેલની સામે અન્ય કોઇ ઉમેદવારીપત્ર ન ભરાતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. કેડીસીસી બેંકની વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં થયેલી ચૂંટણીમાં પ્રથમ વખત મેન્ડેટ સાથે ભાજપની પેનલે ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ બહુમતિ મેળવતાં બેંકમાં છેલ્લા ૨૨ વર્ષથી વર્ચસ્વ ધરાવનાર કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. ઉલ્લેખનીય છે કે તેજશ પટેલ પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર છે અને પેટલાદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને ગુજરાત કો. ટોબેકો ફેડરેશનના પણ ચેરમેન છે તેજસ પટેલે જણાવ્યું કે, બેંકિંગ વ્યવસ્થામાં ખાસ કરીને સહકારી બેંકો ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હોય છે. બેંકમાં સહકારથી સમૃદ્ધિના નિર્ધાર સાથે આવેલા પરિવર્તનથી લોકોને સરકારની યોજનાઓના લાભથી વંચિત રાખતી નીતિઓનો અંત આવ્યો છે. બેંકનું કામ લોકોને સર્વિસ પૂરી પાડવાનું છે. ગામડામાં લોકોને ઘેરબેઠાં બેંકની સર્વિસનો લાભ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે લોકોના ઘરે જઇને ધિરાણ આપવા સાથે આર્થિક રીતે મજબૂત બનાવવા માટે દેશની આર્થિત નીતિઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવશે. સખીમંડળો સ્વાવલંબી બને, ગામડામાં નાના પાયે ઉદ્યોગો શરૂ કરવામાં આવે તો ગામડાઓમાંથી શહેરીકરણ તરફ વળી રહેલા લોકોને ગામમાં જ રોજગારી મળી રહે. સરકારની વિવિધ યોજનાઓ લાભ છેવાડાના માનવીને મળી રહે અને ગામડામાં આર્થિક સમૃદ્ધિને વેગ મળી રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.આ પ્રસંગે બેકના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર, પ્રદેશ સહકારિતા સેલના સંયોજક બીપીનભાઈ પટેલ(ગોતા), અમુલ ડેરી ચેરમેન વિપુલ પટેલ, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ અજય બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ (બકાભાઈ) પરમાર, પૂર્વ ચેરમેન ધીરુભાઈ ચાવડા સહિત સભ્યો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.