નડીઆદ તાલુકામાં સ્વાગત સપ્તાહ કાર્યક્રમના આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
તા. ર૪ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ર૧ માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ અઠવાડિયું ‘સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય છે.
ખેડા જિલ્લામાં સ્વાગત કાર્યક્રમની ઉજવણીના સંદર્ભે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ચાલી રહ્યું છે. જેના અનુસંધાને નડિયાદ પ્રાંત અધિકારી જે.એમ. ભોરણીયાના અધ્યક્ષસ્થાને નડિયાદ મામલતદાર કચેરી ખાતે નડિયાદ તાલુકામાં સ્વાગત સપ્તાહ કાર્યક્રમના આયોજન માટે તલાટી તથા સરપંચઓ સાથે મીટીંગ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ મિટિંગમાં નડિયાદ નાયબ મામલતદાર (ગ્રામ્ય), નડિયાદ નાયબ મામલતદાર (શહેર) સહિત સરપંચઓ અને તલાટીઓ હાજર રહ્યા હતા. અગાઉ સ્વાગત સપ્તાહની ઉજવણી સંદર્ભે મુખ્ય સચિવશ્રીએ રાજ્યના જિલ્લા વહીવટી તંત્રવાહકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જે અંતર્ગત ખેડા જિલ્લામાં કલેકટર કે. એલ. બચાણીની આગેવાની હેઠળ સ્વાગત સપ્તાહની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે દેશભરના પ્રથમ અભિનવ પ્રયોગ તરીકે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યની સરકારી કચેરીઓમાં ઇન્ફરમેશન ટેક્નોલોજી – ઈ ગવર્નન્સના માધ્યમથી પ્રજાજનોની ફરિયાદોના વાજબી નિરાકરણ માટે રાજ્યભરમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ‘સ્વાગત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સ્વાગત કાર્યક્રમના બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.