જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ.
સિંધુ ઉદય
સ્વાગત કાર્યક્રમ બાબતે લોકજાગૃતિ લાવીને વધુમાં વધુ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની સૂચના
દાહોદ, તા. ૧૫ : કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં સ્વાગત કાર્યક્રમ બાબતે લોકજાગૃતિ લાવીને વધુમાં વધુ લોકોના પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમમાં નિરાકરણ થાય એ રીતનું આયોજન કરવા બેઠકમાં જણાવ્યું હતું.
સંકલન બેઠકના પ્રથમ ભાગમાં જનપ્રતિનિધીશ્રીઓના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેશભાઇ ભૂરિયા, શ્રી મહેન્દ્રભાઇ ભાભોરે રજૂ કરેલા લોકોને સ્પર્શતા પ્રશ્નોનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. કલેક્ટર ડો. ગોસાવીએ સંબધિત અધિકારીશ્રીને આ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રીઓએ જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આવી રહેલી સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી અને ઉનાળાના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નો ન આવે એ માટે નલ સે જલ યોજનામાં આવી રહેલી સમસ્યાઓને દૂર કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ આ અંગે વાસ્મો, પાણી પુરવઠા સહિતના અધિકારીશ્રીઓની સાથે અલગથી બેઠક યોજી નલ સે જલ યોજનાની સમીક્ષા બાબતે જણાવ્યું હતું.
આ ઉપરાંત કિસાન સૂર્યોદય યોજના, ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવી રહેલું ખોદકામ, લીમડી-ઝાલોદ ખાતે ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્નોનો સંતોષકારક નિકાલ કરાયો હતો.
સંકલન બેઠકના બીજા ભાગમાં વિવિધ કચેરીઓ સાથેના સંકલનના પ્રશ્નો દૂર કરાયા હતા. બેઠકમાં સુઝલામ સુફલામ યોજનાની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. કલેક્ટરશ્રીએ સુઝલામ સુફલામ યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું અને દર અઠવાડિયે યોજનાની સમીક્ષા કરવા સૂચના આપી હતી.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરીત કરાઇ રહ્યાં છે. આ અંગેની કામગીરીની પણ સમીક્ષા કરાઇ હતી. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે ૧૯ હજારથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. તેમજ આ અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે તેમ જિલ્લા બાગાયત અધિકારીશ્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જેમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકોને દૂધ પીવા માટે પ્રેરિત કરવા, મધ્યાહન ભોજન કેન્દ્ર તપાસણી, તીથિ ભોજન સહિતની બાબતો વિશે અધિકારી શ્રી ફાલ્ગુનભાઇએ વિગતે માહિતી આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, ડીઆરડીએ નિયામક શ્રી પટેલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.