ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનને લઈ પાણીનો થતો બગાડ
પંકજ પંડિત ઝાલોદ
જાગૃત નાગરિક તરીકે નગરના અનુપ પટેલ દ્વારા ભૂતિયા પાણીના કનેક્શન વિશે ચીફ ઓફિસરને મૌખિક ફરિયાદ પણ કરેલ છે ઝાલોદ નગરમાં હમણાં કાળઝાર ગરમીની શરૂઆત થઈ છે અને હાલ નગરમાં એક દિવસ છોડીને બીજે દિવસે પાણી મળી રહ્યું છે. પાણીની તંગી આગામી દિવસોમાં ન વર્તાય તેમજ પાણીનો બગાડ ન થાય તેને લઈ નગરના જાગૃત નાગરીક અને નગરના ભાજપ મહામંત્રી અનુપ પટેલ દ્વારા પાણીની સમસ્યાને લઈ તેમજ નગરમાં ચાલતા પાણીના ગેરકાયદેસર કનેક્શનને લઈ નગરપાલિકા ચીફ ઓફીસરને રજૂઆત કરેલ છે.પરંતુ આવા ભૂતિયા નળ કનેક્શનને લઈ નગરપાલિકા કોઈ પણ જાતના પગલા લેતી નથી. અનુપ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં નર્મદા નગર સોસાયટીમાં રસ્તા પર પાણી વેરાતા તેમના સોસાયટીના રહીશો સામે લાલ આંખ કરી હતી અને પાણીનો બગાડ ન કરવો તેના વિશે લોકોને સમજાવ્યા હતા. પરંતુ અવારનવાર આવા કિસ્સા બની રહ્યા છે અને પાણી રોડ પર આવી જાય છે…નગર પાલિકા પાસે અનુપ પટેલ માંગણી કરી રહેલ છે કે ગેર કાયદેસર રીતે ચાલતા ભૂતિયા પાણીના કનેક્શન કાપવામાં આવે જેથી પાણીનો બગાડ અટકે અને પાણીની બચત પણ થાય. વારંવાર રજૂઆત કરવા છતાય નગરપાલિકા મૂક અવસ્થામાં જોવા મળી રહેલ છે અને નગરપાલિકાને સમસ્યાઓ ખબર હોવા છતાય દૂર કરવામાં આવી નથી રહી ….નગરપાલિકા જો સચોટ કામગીરી કરે તો ચોક્કસ પાણીનો બગાડ અટકે તેમજ જરૂરિયાત હોય તેવા વ્યક્તિને પાણી મળી શકે. અમુક વિસ્તારોમાંતો પાણીના કનેક્શન ખેતરોમાં કે વાડામાં ખુલ્લા મુકી દેવામાં આવેલ છે તેવું પણ સાંભળવા મળેલ છે તેમજ અમુક વિસ્તારોમાં એક ઘરમાં એક થી વધુ રીતે પાણીના ડાઇરેક્ટ કનેક્શન આપેલ છે આ અંગે તાત્કાલિક નગરપાલિકા પોતાની ટીમ બનાવી ભૂતિયા પાણીના કનેક્શન અને પાણી રોડ પર છોડી બગાડ કરતા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરે તેવું અનુપ પટેલનું કહેવું છે. એક જાગૃત નાગરિક તરીકે કોઈ પણ નાગરિકનો વિરોધ કર્યાં વગર અનુપભાઈ પટેલ પાણીનો બગાડ અટકાવવા તેમજ ભૂતિયા કનેક્શન રોકવા માટે પોતાના વિસ્તાર એટલેકે નર્મદા સોસાયટીમાં વસતા લોકોને સમજાવવા પાણીનો બગાડ ન કરવા હાકલ કરી હતી.