નડિયાદમાં ઓફીસ ખોલી શખ્સે લોકોનેલોન મંજૂર કરાવવા કહી રૂપિયા ખંખેરીયા.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ: ખેડાના હરીયાળાના લેબર કોન્ટ્રાક્ટર સહિત ૮ લોકોને લોન મંજૂર કરાવવાનું કહી નાણાં ખંખેર્યા છે. લોન મંજૂર કરાવવા અલગ અલગ ચાર્જના બહાને રૂપિયા પડાવ્યા હોવાનું નડિયાદ પશ્ચિમમાં ફરીયાદ છે. ખેડા તાલુકાના હરિયાળા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા દિનેશભાઈ ગોપાલભાઈ કોળીને ધંધા અર્થે પૈસાની જરૂર હોય તેઓએ એક વર્ષ અગાઉ ખેડામાં આવેલ એક ખાનગી ઓફિસે લોન બાબતે વાતચીત કરી હતી. જોકે કોઈ કારણોસર અહીંયાથી લોન મળી નહોતી. ત્યારબાદ દિનેશભાઈના મોબાઈલ પર અવારનવાર નડિયાદ ખાતેની કેપિટલ ફાઇનાન્સના મેસેજ આવતાં હતાં તેઓએ નડિયાદના મિશન રોડ પર આવેલી કેપીટલ ફાઈનાન્સની ઓફીસમાં રૂબરૂ ૨૫ એપ્રિલ ૨૨ ના રોજ ગયા હતા. જ્યાં હાજર લાલાભાઇ સૈયદ નામના વ્યક્તિ સાથે લોન બાબતે ચર્ચા થઈ હતી.ત્યારે લાલાભાઈ સૈયદે કહ્યું હતું કે લોન મેળવવા માટે તમારે વેલ્યુએશન ચાર્જ, મોર્ગેજ લોનના ચાર્જ તેમજ કમિશન આપવું પડશે અને તે જ દિવસે ફાઈલ ચાર્જના રોકડા રૂપિયા આપવા પડશે. અલગ અલગ દિવસો દરમિયાન ટુકડે ટુકડે કુલ રૂપિયા ૮૩ હજાર ૩૯૫ આપ્યા હતા. આમ છતાં પણ લોન મંજૂર ન થતા આ દિનેશભાઈએ લાલાભાઇ સૈયદની ઓફિસે ધક્કા ખાતા હતા. લાલાભાઈ સૈયદે આ જ રીતે ભૂમેલ, ઠાસરા, ભેરાઈ, ચલાલી, બોરીયાવી, ખાત્રજ, ધર્મજ,આણંદ,વિદ્યાનગર સહિતના કુલ લગભગ ૮ વ્યક્તિઓ સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ મામલે આજે દિનેશભાઈ કોળી પટેલે ઉપરોક્ત લાલાભાઇ સૈયદ સામે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.