કપડવંજના વેપારીને ગઠિયાએ વિશ્વાસમાં લઈ ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ: કપડવંજમાં વેપારી છેતરપિંડીનો ભોગ બન્યો છે. જેમાં ગઠીયાએ વેપારીને વિશ્વાસમાં લઈને ચાર્જ પેટે રૂપિયા ૨ ચૂકવ્યા અને ખાતામાંથી રૂપિયા ૮૬ હજાર આપોઆપ ઉપડી જતાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ શહેરના નદી દરવાજા વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ ગનીભાઈ મન્સુરી જે કાપડનો વેપાર કરે છે. તેઓએ વર્ષ ૨૦૧૪થી સહારા પરિવારમાં નાણાંનું રોકાણ કરતા હતા. પરંતુ સહારા પરિવાર વર્ષ ૨૦૧૮માં બંધ થઈ જતા અવારનવાર સહારા પરિવારની સાઇટમાં ચેક કરતા હતા. ૩૧ મી માર્ચના રોજ આ નાણાં બાબતે ફીરોજભાઈએ ગુગલ ઉપરથી પીએનઓ કમ્પલેન ઓનલાઇન સર્ચ કરેલ અને જેમાં બતાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં નાણાં બાબતેની વાતચીત થઈ હતી. ત્યારબાદ સામે વાળા વ્યક્તિએ ફીરોજભાઈને જણાવ્યું કે, હું તમને એક પીડીએફ ફાઈલ મોકલુ છું તેના ચાર્જ પેટે મને રૂપિયા બે ગુગલ પે મારફતે મોકલાવાના રહેશે. ફીરોજભાઇએ બે રૂપિયા ગુગલ પે મારફતે મોકલ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ફીરોજભાઈના ખાતામાંથી રૂપિયા ૮૫ હજાર ૯૯૯ ઉપડી ગયા હતા. જે બાદ ઉપરોક્ત નંબર પર ફોન કરતા આ વ્યક્તિએ ગોળગોળ વાતો કરી સમય પસાર કર્યો હતો અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. છેતરપિંડીનો ભોગ બનેલા ફિરોજભાઈએ જે તે સમયે સાયબર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો અને આજે સમગ્ર મામલે ઉપરોક્ત મોબાઈલ ધારક સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફિરોજભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

