દાહોદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોના વર્ષોથી અટવાયેલા પ્રશ્નોનું સુખદ નિવેડો લાવતા ડીડીઓશ્રી
દાહોદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોના વર્ષોથી અટવાયેલા પ્રશ્નોનું સુખદ નિવેડો લાવતા ડીડીઓશ્રી
વીજળી, પાણી સહિતના પ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યા
દાહોદ, તા. ૨૬ : દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ ૧ ના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં દાહોદ તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીડીઓશ્રીએ ૨૪ અરજદારોના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક નિવારણ આણ્યું હતું. અરજદારોના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનું સુખદ નિવેડો આવતા તેઓ ખૂશ થઇ ગયા હતા અને સરકારનો આવા સુંદર કાર્યક્રમ માટે આભાર માન્યો હતો. દાહોદ તાલુકા સ્વાગત કાર્યક્રમ દાહોદ નગરના ગડી કિલ્લા પાસે આવેલી અહીંની મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. ડીડીઓશ્રીએ આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૨૪ જેટલા અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીશ્રીને પણ ઉપસ્થિત રાખીને અરજદારોના પ્રશ્નોનો સંતોષકારક નિકાલ લાવ્યા હતા. કેટલાંક પ્રશ્નો તો એક-બે વર્ષથી અટકયા હોય તેવા પ્રશ્નોનો પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંતોષકારક નિવારણ લાવ્યા હતા. વર્ષોથી અટકેલા પ્રશ્નોનો આટલો ઝડપથી અને સંતોષકારક ઉકેલ મળતા અરજદારોએ સરકારનો સ્વાગત કાર્યક્રમ માટે આભાર માન્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આજે સાંભળેલા પ્રશ્નોમાં દાહોદનાં મોરી ફળીયામાં લો વોલ્ટેજની ફરિયાદ બાબત, નવીન પોલ નાખવા બાબત, કુટીર જયોત યોજના અંતર્ગત લાભ આપવા બાબત, હેન્ડ પંપના કામ બાબત, પીવાના પાણી બાબતે, નલ સે જલ યોજના અંતર્ગત કનેકશન ફાળવવા બાબત સહિતના પ્રશ્નોનો અરજદારોએ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોના પ્રશ્નોનું અધિકારીશ્રીઓએ સંતોષજનક નિરાકરણ કર્યું છે.