કપડવંજ તાલુકામાં પીવાનું પાણી ન મળતાં રહીશો પરેશાન.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
કપડવંજ તાલુકામાં ઉનાળો શરૂ થતાં પૂર્વગાળાના ૨૦થી વધુ ગામોની પ્રજા માટે જીવન દુષ્કર બની જાય છે. વનોડા જૂથ યોજનાની પાઇપ લાઇન હોવા છતાં પાણી પહોંચતુ નથી. કપડવંજના પૂર્વગાળાના વિસ્તારની સ્થિતિ જોતા જણાઇ રહી છે. આ વિસ્તારમાં આવેલા ઘણા ખરા પરા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઇ છે. કપડવંજના તાલુકાના માલઈટાળી ગ્રામ પંચાયતના પેટાપરા, ખડોલ, બારીયાના મુવાડા, વણઝારીયા, આલમપુરા, હડમતીયા તેમજ અન્ય ગ્રામ પંચાયતના પેટા પરા વિસ્તારના ગ્રામજનોને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે. વનોડા જુથનું પાણી ત્રણ ચાર દિવસે, અઠવાડીયામાં એકવાર, બે દિવસે આમ અનિયમિત આવવાની પણ ફરિયાદો ઊઠી છે. આ તમામ વિસ્તારમાં પાણીની સુવિધાનું નિરાકરણ આવે તેમ છે. છતાં તંત્ર કોઇ જ કાર્યવાહી કરતું નથી. હાલ તો છતે પાણીએ આ વિસ્તાર ન પાણીયો બની ગયો છે. પાણી વિના વેરાન જમીન આ વિસ્તારમાં ભાસી રહી છે. પેટાપરાના ગ્રામજનો પાણી માટે બે કિલોમીટર દૂર બીજી ગ્રામ પંચાયતોમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધોને રઝળપાટ કરવો પડી રહ્યો છે. મોટાભાગના ગામોમાં આઠ થી દસ જેટલા પાણીના બોરવેલ બનાવવામાં આવ્યા છતાં પણ બોરવેલોમાં પાણી નથી આવી રહ્યું. ગામમાં વર્ષો અગાઉ બનાવવામાં આવેલા હેન્ડપંપ પર હાલ મૃતપાય હાલતમાં નજરે જોવા મળી રહ્યા છે. પૂર્વગાળાના કેટલા ગામોના પેટાપરાઓના પરિવારો પાણી માટે વલખા મારી રહ્યાં છે. બે કિલોમીટર સુધી જઇને પાણી મેળવવા રઝળપાટ કરવી પડે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય રીતે પાણીનો સપ્લાય કરવામાં આવી રહ્યો નથી, જ્યારે પરિણામે પંથકના રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. વનોડા જુથ યોજનામાંથી આવતું પાણી બે ત્રણ દિવસે આવે છે તે પણ પૂરતા પ્રમાણમાં આવતું નથી. જેથી અમારે પશુ પાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે. પશુઓ માટે પાણી ત્રણ ચાર દિવસ ચાલે તેટલું ગમે ત્યાંથી ભરીને ભેગું કરી રાખવું પડે છે. નંદાબેન ઝાલા, ગૃહિણી. આલમપુરા.

