સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને આજીવન કેદની સજા
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
૧૬ વર્ષની સગીરાને ભગાડી તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. આ કેસમાં નડિયાદ સેશન્સ અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. કપડવંજ તાલુકાના નવા રેલીયા ઠાકોરવાસમાં રહેતો ૨૨ વર્ષીય પરિણીત હિતેન્દ્રસિંહ દિલીપભાઈ કાંતિભાઈ ઝાલા ૧૬ વર્ષ અને ૬ માસની સગીરાને અનુસુચિતજાતિની હોવાનું જાણતો હોવા છતાંતેના વાલીના કાયદેસરના વાલીપણામાં ભગાડી ગયો હતો. ઈસમ તા.૮ ડિસેમ્બર ૧૮ના રોજ સગીરાને પોતાની બાઈક પર બેસાડી જુદી જુદી જગ્યાએ લઈગયો હતો. જ્યાં તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો, અને તેને ગર્ભવતી બનાવી હતી. આ બનાવ મામલે કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.જે કેસ નડિયાદના સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ રાહુલ જી. બ્રહ્મભટ્ટની દલીલો, ૧૯ સાક્ષીઓની જુબાનીઅને ૩૦ જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ સગીરાઓ પર વધતા જતા દુષ્કર્મના બનાવો ઓછા બને તે ધ્યાને લઈ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી સરકારી વકીલની દલીલો, પુરાવાને ધ્યાને અદાલતે આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી હતી.