નાણાંપંચ સહિતની ગ્રાન્ટોમાંથી ભ્રષ્ટાચારનો ડુંગર ઉભો કર્યો, તલાટી વિરુદ્ધ ગામલોકોની ફરિયાદ.
શબ્બીરભાઈ સુનેલવાલા
નાણાંપંચ સહિતની ગ્રાન્ટોમાંથી ભ્રષ્ટાચારનો ડુંગર ઉભો કર્યો, તલાટી વિરુદ્ધ ગામલોકોની ફરિયાદ ફતેપુરા તાલુકામાં ખરેખર ભ્રષ્ટાચારની બૂમરાણ એટલી બધી વધી છે કે, સરકારે સ્પેશિયલ ભ્રષ્ટાચાર નિવારણ કચેરી ખોલવી પડે તેવી સ્થિતિ છે. હજુ તો મનરેગાના તત્કાલીન એપીઓ વિરુદ્ધની બૂમરાણ શાંત પડી નથી ને હવે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો રાફડો હોવાની ફરિયાદ થઇ છે. ડુંગરા ગ્રામ પંચાયતના તલાટીએ સરકારી યોજનાના નામે કેવો ભ્રષ્ટાચાર કર્યો તેની વિગતવાર અરજી થઈ છે. તલાટી સુરેશભાઈએ નલ સે જલ યોજના યથાવત છતાં નાણાંપંચ હેઠળ તેનો ખર્ચ પાડી નાણાં ઉઠાવ્યા છે. આટલુ જ નહિ, કામ એક અને ખર્ચ ત્રણ યોજનામાં કર્યો હોવાનું પણ ગામલોકો જણાવી રહ્યા છે. સમગ્ર મામલે તલાટીને પૂછતાં પછી વાત કરૂં કહીને ફોન કટ કર્યો હતો.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગ્રામ પંચાયતના તલાટી સુરેશ તાવિયાડ અને માજી મહિલા સરપંચે મસમોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ખુદ ગ્રામજનોએ લેખિત ફરિયાદમાં જણાવતાં ખળભળાટ મચી ગયો છે. નાણાંકીય વર્ષ 2021થી 2023-24 દરમ્યાન 14 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી તલાટી કમ મંત્રી સુરેશભાઈ તાવિયાડ અને માજી સરપંચ સુમિત્રાબેન પારગી તેમજ કેટલાક સમય દરમ્યાન વહીવટદાર કટારાએ મળી સી.સી.રોડ, મિની એલઆઇ, બોરવિથ મોટર સહિતના કામોમાં ભયંકર હદે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ડીડીઓને જણાવ્યું છે. જેમાં કેટલાક કામો સ્થળ ઉપર જ નથી તેમજ અમુક કામો આગળની અન્ય ગ્રાન્ટોમાંથી કરી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કર્યો છે.ખોટા કામો બતાવી સરકારી નાણાંનો મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ગામલોકોએ જણાવતાં દોડધામ મચી ગઇ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકોએ ફરીયાદ અરજીમાં માંગ કરી છે કે, સદર કામોની નોટ ફેમ કેમેરા આધારે સ્થળ તપાસ થાય તો ઘટસ્ફોટ થાય તેમ છે. ગ્રામ સભામાં કરેલ ઠરાવ, ગ્રામ પંચાયતના મિલકત રજીસ્ટર પર નોંધ, એન્ટ્રી, પંચક્યાશ, માલસામાનના બિલો બિલો, ટેક્ષ ભરપાઇ કર્યો છે કે કેમ તે સહિતની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવા તંત્રને આજીજી કરી છે. પારદર્શક તપાસ બાદ રિપોર્ટમાં મળી આવે તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. ગ્રામજનો જેટલા વિશ્વાસથી જણાવી રહ્યા અને જે રીતે અરજી આપી તે જોતાં તલાટી સુરેશ તાવિયાડની કામગીરી શંકાસ્પદ બની છે.