દેવગઢ બારીઆ તાલુકાના ફાંગીયા ગામે માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ
અજય બારીઆ
દાહોદ તા.૦૨
દેવગઢ બારીઆ તાલુકાના ફાંગીયા ગામેથી ૨૦ તથા ૨૧ વર્ષીય બે આશાસ્પદ યુવકની મોટરસાઈકલને એક અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા આ બે યુવકોને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનુ ઘટના સ્થળે મોત નીપજાવી અજાણ્યો વાહનનો ચાલક નાસી ગયાનું જાણવા મળે છે. ઘટનાને પગલે બંન્ને યુવકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.
દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે ટાવર ફળિયામાં રહેતા અક્ષયકુમાર બિપીનભાઈ વરીયા (ઉ.વ.૨૦) તથા તેનો મિત્ર રતનભાઈ અરવિંદભાઈ બારીઆ (ઉ.વ.૨૧) એમ બંન્ને મિત્રો ગતરોજ પોતાની એક મોટરસાઈકલ પર સવાર થઈ ફાંગીયા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ યુવકોની મોટરસાઈકલને અડફેટમાં લેતા બંન્ને મિત્રો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા જેને પગલે ઉપરોક્ત બંન્ને યુવકોને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ પરિવારજનોને મોડે સુધી થતાં બંન્ને યુવકોના પરિવારજનો સહિત સ્વજનો ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યા પરિવારમાં યુવકોના મોતને પગલે આક્રંદનો માહોલ સર્જાવા પામ્યો હતો.
દેવગઢ બારીઆ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી માર્ગ અકસ્મતા સર્જી ફરાર થઈ ગયેલ અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
#Dahod #Sindhuuday

