દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા રોડ પર પુરપાટ દોડી જતી મોટર સાયકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા રોડ પર પુરપાટ દોડી જતી મોટર સાયકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં રોડની સાઈડમાં ઉતરી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મોટર સાયકલ ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.ગાંગરડી પ્રજાપતિવાસમાં રહેતા ૫૯ વર્ષીય દિનેશભાઈ પુનાભાઈ ગોહીલ ગત તા. ૭-૨-૨૦૨૩ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ભરસડા ગામે રોડ ઉપર નદીથી થોડે આગળ રસ્તા ઉપર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ સ્લીપ ખાઈને રોડની સાઈડમાં ઉતરી જતાં મોટર સાયકલ ચાલક દિનેશભાઈ પુનાભાઈ ગોહીલને માથાની પાછળના ભાગે, જમણી હાંસડી પર તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે તાબડતોબ ગરબાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઈજાની ગંભીરતાને ધ્યાને લઈ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે મોત નિપજ્યું હતું.આ સંબંધે ગાંગરડી ગામના પ્રજાપતિવાસમાં રહેતા મરણ જનાર દિનેશભાઈ પુનાભાઈ ગોહીલના પુત્ર નિકુંજકુમાર દિનેશભાઈ ગોહીલે ગરબાડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

