નડિયાદ અમદાવાદી બજારમાં આવેલ આંગડીયા પેઢીમાં ૧૩ લાખની લૂંટની ઘટના થી ચકચાર મચી ગઇ છે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ અમદાવાદી બજારમાં આવેલ આંગડીયા પેઢીમાં ૧૩ લાખની લૂંટની ઘટના થી ચકચાર મચી ગઇ છે નડિયાદમાં ભરબપોરે આંગડીયા પેઢીની ઓફીસમાં ઘૂસી સનસની લૂંટ ચલાવાઈ હતી. લૂંટારુ વ્યક્તિએ મારામારી કરતાં લોહી તેના કપડા પર ચોંટી જતાં ઓફીસમાં રહેલી ચાદર ઓઢી લુંટારુ ફરાર થયો હતો. પોલીસે એફએસએલ ની મદદ મેળવી તપાસ હાથ ધરી છે. નડિયાદ શહેરમાં ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ પોતે ભાગીદારીમાં શહેરમાં ભાવસારવાડ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ વિજયકુમાર વિક્રમભાઈ નામની આંગડીયા પેઢી ચલાવે છે. ગઇકાલે બપોરના સુમારે ચકચારી લૂંટની ઘટના બની હતી. પહેલા લુંટરુએ ગત ૧૩મી મે ના રોજ રેકી કરી હતી. જેમાં આ વ્યક્તિએ જણાવ્યું કે મારે મુંબઈ મલાડથી રૂપિયા ૨૦ લાખ આવવાના છે તેવી પુછપરછ કરી ને નીકળી ગયો હતો. સોમવારે બપોરે ઉપેન્દ્રભાઈ પટેલને એકલા જોઈ આ વ્યક્તિ અહીંયા આવ્યો અને કહ્યું કે, મુંબઈ મલાડથી અત્યારે પૈસા આવવાના છે તેવી વાત કરી ઓફીસમાં બેઠો હતો. થોડીવારમાં વ્યક્તિએ ઓફીસમાં પડેલ હથોડી લઈને ઉપેન્દ્રભાઈ પર હુમલો કર્યો અને મારામારી કરવા લાગ્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિએ ચપ્પુ કાઢી ઉપેન્દ્રભાઈને કહ્યું કે જો તમે બુમાબૂમ કરશો તો જાનથી મારી નાખીશ દુકાનમાં જેટલા રૂપિયા હોય તે મને આપીદો જેથી ગભરાયેલા ઉપેન્દ્રભાઈએ ઓફિસની તિજોરીમાંથી રોકડા રૂપિયા કાઢી આપ્યા હતા. લુટારુએ ઉપેન્દ્રભાઈને કહ્યું કે, તારી આંગડિયા પેઢીની પાવતીમાં રૂપિયા ૧૦ લાખ આપેલ છે તેમ લખી સહી કરી દે અને એક વિડીયો ઉતાર્યો હતો તેમાં બાઇક સ્લીપ ખાઈ જવાથી માથામાં વાગેલ છે તેમ બોલાવીને સીસીટીવીના કેમેરાનું ડીવીઆર તેમજ બે મોબાઇલ ફોન લઇ ભાગી ગયો આ મામલે ઉપેન્દ્રભાઈ પટેલે રૂપિયા ૧૩ લાખ કેસ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧૩ લાખ ૫ હજાર ૫૦૦ની લૂંટ થઈ હોવાની ફરીયાદ નડિયાદ ટાઉન પોલીસમાં નોંધાવી છે. પોલીસને આસપાસના સીસીટીવી ફૂટેજમાં આ વ્યક્તિ એક્ટીવા લઈને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જે આધારે પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે.