ખેડા ચોકડી પાસે પાર્ક કરેલ કન્ટેનરમાંથી અમૂલ ઘી ના બોક્સની ચોરી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા ચોકડી પાસે પાર્ક કરેલ કન્ટેનરમાંથી અમૂલ ઘી ના બોક્સની ચોરી ખેડા ચોકડી પર પાર્ક કરેલ કન્ટેનરમાંથી લાખોની કિંમતના અમૂલ ઘી ના બોક્સની ઉઠાંતરીની ઘટના બની છે. આ ઘી નો જથ્થો ભરૂચથી લાવી અસલાલી સ્થિત ગોડાઉનમાં પહોચાડવાનો હતો કન્ટેનર ચાલક રાત્રે વાહન પાર્ક કરી પોતાના ઘરે આવતાં તસ્કરોએ ચોરી કરી ગયા છે. સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસમાં રૂપિયા ૨૦.૮૭ લાખના અમૂલ ઘી ના પાઉચની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આણંદ જિલ્લાના હાડગુડ ગામના જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદ પોતે બુરાક લોજીસ્ટીકમાં મેનેજર તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. સામરખા ચોકડીએ આવેલ ટ્રાન્સપોર્ટના માલીક યુનુસઅલી ગુલામહૈદર મોમીન રહે.આણંદ જેની ટ્રાન્સપોર્ટની ટ્રકો અમૂલ ડેરીમાં કોન્ટ્રાકટ સીસ્ટમથી ફરે છે. ૧૨ મે ના રોજ ગુલામમોહસીન ગુલામનબી મોમીન (૨હે.મોમીનવાડ, ખેડા) કન્ટેનર લઈને ઉપરોક્ત ઓફીસે આવેલા તેમની સાથે ચન્દ્રકાન્ત જશભાઇ પટેલ (રહે. બી/૪૬ ઠકકર રેસીડેન્સી, ગંગોત્રી રેસીડેન્સી પાછળ, સોખડા, ખેડા માતર)ના આવેલા હતા. ગુલામમોહસીનનાઓએ મેનેજરને જણાવેલ મારે આંખના મોતીયાનું ઓપરેશન કરાવવાનું છે જેથી મારી જગ્યાએ આ ચન્દ્રકાન્ત જશભાઇ પટેલ ડ્રાઇવર તરીકે દસ દિવસ રહેશે. તેવું જણાવતાં મેનેજરે શેઠને જાણ કરી જરૂરી વિધી કરી હતી. ત્યારબાદ આ કન્ટેનરમાં મોગર ડેરીમાંથી અમૂલ લોટની બોરીઓ ભરીને સુરત-પલસાણા અમૂલના ગોડાઉનમાં મોકલવાની હતી મેનેજરે તેમને આ બોરીની બીલેટ્રી બનાવીને ચંન્દ્રકાન્તભાઇને આપેલી હતી. જે ડીલીવરી કરી ગત ૧૮મી મે ના રોજ ભરૂચ અમૂલ ડેરીના પ્લાન્ટમાંથી ઘીનો માલ ભરી અસલાલી સ્થિત આવેલા ગોડાઉનમાં મુકવા જવા ઉપરોક્ત કન્ટેનરમાં ચન્દ્રકાન્તભાઈ રવાના થયા હતા. બીજા દિવસે સવારે આ કન્ટેનર ચાલક ચન્દ્રકાન્તભાઈનો ફોન આવ્યો હતો અને મેનેજરને જણાવ્યું હતું કે, આ કન્ટેનરમાં ચોરી થઈ છે. મેનેજર તેમજ અન્ય લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકે જણાવ્યું હતું કે, રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યાના સુમારે ખેડા ચોકડી પાસે સોમનાથ મહાદેવ મંદીર પાસે ખુલ્લી જગ્યામાં આ કન્ટેનર મુકીને ઘરે જતો ૨હેલ હતો અને આવીને જોયું તો કન્ટેનરના પાછળના દરવાજાને મારેલ સીલ તૂટેલ હતો. તપાસ કરતા કન્ટેનરમાંથી ઘી ના ૩૯૬ બોક્સની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેની કુલ કિંમત રૂપિયા ૨૦ લાખ ૮૭ હજાર ની ચોરી થઈ હતી. આ બનાવ સંદર્ભે મેનેજર જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદે અજાણ્યા ચોર ઈસમ સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.