ગઠીયાએ યુ ટ્યુબ ચેનલ પર ટાસ્ક મોકલી વેપારી પાસેથી રૂપિયા ૧.૫૨ લાખ પડાવી લીધા
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ગઠીયાએ યુ ટ્યુબ ચેનલ પર ટાસ્ક મોકલી વેપારી પાસેથી રૂપિયા ૧.૫૨ લાખ પડાવી લીધા ખેડામાં વેપારીને ગઠીયાએ યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબના બહાને જુદા જુદા ટાસ્ક મોકલી વેપારી પાસેથી રૂપિયા ૧.૫૨ લાખ પડાવી લીધા છે. આ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ પાસે ખેડામાં મોમીનવાડા વિસ્તારમાં રહેતા યાસીનભાઈ સીરાજભાઈ વ્હોરા જેમની ખેડા બજારમાં કાપડની દુકાન આવેલી છે. ૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી તેમને એક મેસેજ આવેલો હતો. જેનો જવાબ બીજા દિવસે યાસીનભાઈએ વોટ્સએપ મારફતે આપ્યો હતો.અને સામેવાળી વ્યક્તિએ વોટ્સએપ પર જણાવ્યું હતું કે, હું ચાર્વી એચ.આર. ડીપાર્ટમેન્ટ ઓફ વાઈટ રીવર્સ મીડીયા એજન્સી મુંબઈથી બોલું છું તેમ કહી ટેલીગ્રામ ઉપર યુટ્યુબ ચેનલોની લીંક મોકલી જો આ લીંક સબ્સ્ક્રાઇબ કરો તો તમને નાણાં મળશે તેવી વાત કરી હતી.અને યાસીનભાઈને કહ્યા મુજબ સબ્સ્ક્રાઇબ કર્યા બાદ ખરેખર નાણાં મળ્યા હતા. જેથી યાસીનભાઈને વિશ્વાસ આવતા સામેવાળા ગઠીયાએ અલગ અલગ ટાસ્ક આપી શરુઆતમાં નાની નાની રકમમાં ૫૦૦ રૂપિયાનો ઉમેરો કરી પરત મોકલી આપતો ત્યારબાદ મોટી મોટી રકમો લેવાનુ ગઠીયાએ શરુ કર્યું. યાસીનભાઈએ ટુકડે ટુકડે રૂપિયા ૧ લાખ ૫૨ હજાર ૬૮૦ આપી દીધા હતા અને જે નાણાં પરત ન આવતાં યાસીનભાઈ વ્હોરાને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા આજે ખેડા ટાઉન પોલીસમાં ઉપરોક્ત અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.