દાહોદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી આરંભ
સુભાષ એલાણી / જીજ્ઞૈશ બારીઆ
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં આજથી શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ વખતે ધોરણ ૧૦માં ૪૦ હજાર થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ મળીને ૨૦,૦૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોઈ પણ ગેરરિતી ન થાય તેના માટે વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આજરોજથી આરંભ થયેલી પરીક્ષાને લઈને દાહોદ શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે સવારથી જ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરીક્ષા કેન્દ્રો બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર તેમજ જાગૃત લોકો દ્વારા પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પેટે ફુલ આપી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતુ.
દાહોદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા માટે સંપુર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ધોરણ ૧૦માં આ વખતે ૪૧,૪૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દાહોદ ઝોનમાં કુલ ૧૭ કેન્દ્રોમાં ૮૧૦ બ્લોકમાં પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યારે લીમખેડા ઝોનમાં ૧૫ કેન્દ્રોના ૫૭૨ બ્લોકમાં ૧૭,૧૬૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તેવી જ રીતે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦ પરીક્ષા કેન્દ્રોના ૫૭૯ બ્લોકમાં કુલ ૧૭,૩૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ, લીમખેડા અને દેવગઢ બારીઆમાં મળીને કુલ ૨૬૬૦ પરીક્ષાર્થી પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. એક તરફ ગરમી પણ વધી રહી છે ત્યારે ભર બપોરે પણ પરીક્ષા કેન્દ્રો પર વાલીઓની ભીડ જામશે. શોશીયલ મીડીયમાં શુભેચ્છા સંદેશાઓની આપલે પણ શરૂ થઈ હતી ત્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓ છેલ્લી ઘડી સુધી તૈયારીમાં વ્યસ્ત પણ જાવા મળ્યા હતા. ભવિષ્ય ઘડતર માટે બોર્ડની પરીક્ષા મહત્વની હોવાથી થોડો તણામ પણ હોય છે ત્યારે પરીક્ષાને લઈને ઉત્તેજના પણ જાવા મળી રહી છે. ગત વર્ષાેમાં ધોરણ ૧૦ના નીચા પરિણામોને કારણે જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓમાં ઘટાડો જાવા મળી રહ્યો છે પરંતુ ધોરણ ૧૦ના પરીક્ષાર્થીઓની વિક્રમી સંખ્યા નોંધાઈ છે તેના કારણે ધોરણ ૧૦ની પરીક્ષા વ્યવસ્થા કરવામાં તંત્રને વધારે મહેનત કરવી પડી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા પરીક્ષાને અનુલક્ષી જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા હોવાથી તેનો કડક અમલ કરાવવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ ગેરરિતી ન થાય તેના માટે સીસીટીવી બાજ નજર રાખશે. પરીક્ષા કેન્દ્રો પર ભીડ ન જામે તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
#Dahod #Sindhuuday