દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫ એપીપીની નિયુક્તિ કરવામાં આવી તે પૈકી ૫ મહિલા
દાહોદ તા.૦૬
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, પોલીસ સ્ટેશન્સમાં સરકાર તરફથી દાખલ થતાં ફોજદારી ગુનાને ન્યાયિક પ્રક્રીયા હેઠળ આવે ત્યારે આરોપીઓને ઉચિત સજા અપાવવા મજબૂત પક્ષ કોણ રાખતું હશે ? તેના પ્રશ્નનો જવાબ છે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર્સ. દાહોદ જિલ્લા માટે વિશેષ વાત તો એ છે કે, અહીની નીચલી અદાલતોમાં પાંચ મહિલા આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર છે, જે ન્યાયિક પ્રક્રીયા વખતે સરકારનો પક્ષ મજબૂતીથી રાખે છે.
નીચલી અને ઉપલી અદાલતોમાં રાજ્ય સરકાર વાદી, પ્રતિવાદી કે પક્ષકાર હોય એવા ઘણા બધા કેસો ચાલતા હોય છે. આવા કેસોમાં રાજ્ય સરકારનો પક્ષ રાખવા માટે એક વ્યવસ્થિત માળખું હોય છે. જેમાં મુખ્યત્વે ગંભીર પ્રકારના કેસો અને જેમાં સજાની જોગવાઇઓ વધુ હોય તેવા કેસોમા જિલ્લા સરકારી વકીલ અને સહાયક જિલ્લા વકીલ સરકાર તરફથી કેસો લડતા હોય છે. જેમની નિમણૂંક સરકારના નિયમોનુસાર નિયત વર્ષો માટે જ થતી હોય છે.
જ્યારે, આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસેક્યુટરની રાજ્ય સરકાર ભરતી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મોટી સંખ્યા આ પદો ઉપર ભરતી કરવામાં આવી છે. જેથી ન્યાયિક પ્રક્રીયા સરળતાથી અને ઝડપથી થઇ શકે.
દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫ એપીપીની નિયુક્તિ કરવામાં આવી તે પૈકી ૫ મહિલા છે. જે દાહોદ નગર અને જિલ્લાની વિવિધ કોર્ટ્સમાં ફરજ બજાવે છે. આ મહિલાઓ નાના કેસો પણ મહત્વના કેસોમાં રાજ્ય સરકારનો પક્ષ મજબૂતીથી રાખે છે અને ધારદાર દલીલો કરે છે.
એપીપી શ્રીમતી વનિતાબેન સોલંકી કહે છે, દાહોદ ટાઉન અને જિલ્લાની કોર્ટમાં એક એક એપીપી કાર્યરત છે. એટલે કે, એક એપીપીને એક કોર્ટમાં કામગીરી સોંપવામાં આવી છે. દાહોદ ટાઉન અને રૂરલ તથા કતવારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુના દાહોદની કોર્ટમાં આવે છે. અમે કોઇ પણ કેસની સારી રીતે પૂર્વ તૈયારી કરીએ છીએ. તેને સંલગ્ન કાયદાઓ અને હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરીએ છીએ. જેથી સરકાર તરફેનો પક્ષ મજબૂત, આધારાપૂરાવા સાથે રાખી શકાય.
અન્ય એક મહિલા એપીપી સુશ્રી આર. એ. ગોરી કહે છે, સરકાર તરફથી અમને લેપટોપ આપવામાં આવ્યા છે. કાયદાના પુસ્તકો પણ આપવામાં આવ્યા છે. જેથી અમે કેસનો સંપૂર્ણ પણે અભ્યાસ કરી શકીએ. સાથે, કાયદાની એપ્લિકેશનના એક્સેસ પણ આપવામાં આવ્યા છે. જેથી કેસ તૈયાર કરવામાં સરળતા રહે છે. સુશ્રી ગોરીની વાત અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. બાલ્યાવસ્થા દરમિયાન જે તેમના માતા અને નાનાની સાથે રહી નિટિંગનું કામ કરી અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ કેટલોક સમય આંગણવાડી કાર્યકર, ટ્રસ્ટ સાથે સમાજસેવક તરીકે કાર્ય કર્યું એ પછી વકીલાત શરૂ કરી. આજે તેઓ એપીપીના પદ ઉપર પહોંચી ગયા છે.
દાહોદના ન્યાય તંત્ર સાથે મહિલા એપીપીના કામ કરવા ઉપરાંત ઉપરાંત જિલ્લા ન્યાયધીશ પણ મહિલા છે. જેમાં જિલ્લા ન્યાયધીશ સુશ્રી આર. એમ. વોરા, અધિક જિલ્લા જજ સુશ્રી બી. એચ. સોમાણી અને ચિફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ સુશ્રી જે. વી. પરમાર ફરજનિષ્ઠ છે. આમ, દાહોદનું ન્યાયતંત્ર પણ મહિલા સશક્તિકરણની મીસાલ પૂરી પાડે છે.
#Dahod #Sindhuuday

