દાહોદ ના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં અંદાજે 110 કરોડ જેટલી માતબર રકમના જંગી ખર્ચે.
સિંધુ ઉદય
દાહોદ ના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં અંદાજે 110 કરોડ જેટલી માતબર રકમના જંગી ખર્ચે દાહોદના ઐતિહાસિક છાબ તળાવનું પાણી તેમજ તળાવને સ્વચ્છ કરવાની સાથે સાથે તળાવના બ્યુટીફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે દાહોદવાસીઓ માટે સુંદર રળિયામણું પર્યટક સ્થળ બનીને રહેશે તેમ કહેવાઈ રહ્યું છે. ત્યારે આટલા સુંદર અને રમણીય છાબ તળાવમાં હજીએ ગટરના ગંદા પાણી ઠલવાતા રહેતા તળાવના પાણી પણ દુર્ગંધ મારતા બની જતા દાહોદ વાસીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં સ્માર્ટ સિટી માટે નગરપાલિકા વાળા માત્ર એક જ દાહોદ શહેરને પસંદ કરવામાં આવ્યું છે. જ્યારે બાકી બધા મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા શહેરોને જ સ્માર્ટ સિટી માટે પસંદ કરવામાં આવ્યા છે. દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે આશરે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર, તેમજ દાહોદના ઐતિહાસિક છાબ તળાવના બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ થયા બાદ શહેરમાં સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલા રોડની આડે આવતા ગેર કાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને તે હજી એ ચાલુ જ છે. દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દાહોદના ઐતિહાસિક છાબ તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ તળાવના પાણીમાં રહેલ લીલ, જળકુંભી તેમજ કચરો વગેરે દૂર કરી તળાવનું પાણી સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. તળાવને ફરતે કોટ બનાવી તળાવને રમણીય અને આહલાદક બનાવવામાં આવ્યું છે. જેમાં આવનાર દિવસોમાં બોટિંગ પણ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બોટીંગ માટે શુદ્ધ અને દુર્ગંધ મુક્ત પાણી હોવું જરૂરી છે. આ તળાવના બ્યુટીફિકેશન પાછળ પાલિકાના સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ₹110 કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ ઐતિહાસિક છાબ તળાવમાં હજીએ ગામની ગટરોના દુર્ગંધ મારતા ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. જે દુર્ગંધ મારતા ગંદા પાણી આખા તળાવના પાણીને બગાડી રહ્યા છે. જેને કારણે દાહોદ વાસીઓમાં છૂપો રોજ જોવા મળી રહ્યો છે. દુર્ગંધ મારતા ગંદા પાણી તળાવમાં છોડવાનું સત્વરે બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ના સત્તાધીશો દાહોદ વાસીઓની આ માંગને પૂરી કરવા કેવા પગલાં લેશે તે હવે જોવું રહ્યું.