વર્ષ ૨૦૨૩માં સમગ્ર જિલ્લામાં ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત ઉત્તરસંડા શ્રેષ્ઠ ગામ તરીકે ચમક્યું .
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
વર્ષ ૨૦૨૩માં સમગ્ર જિલ્લામાં ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત ઉત્તરસંડા શ્રેષ્ઠ ગામ તરીકે ચમક્યું ખેડા ગુજરાતના ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું નડિયાદ-આણંદ રોડ દાંડીમાંર્ગ પર આવેલ નડિયાદ તાલુકાનું ઉતરસંડા ગામ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ થઈને ગુજરાતના ૧૬ જિલ્લાઓના ૩૫ સ્માર્ટ વિલેજો પૈકી એક બન્યું છે. ૧૨,૦૦૦ની વસ્તી ધરાવતું ઉત્તરસંડા ગામ અને શેહર વચ્ચેની ભેદ રેખાઓને આંબીને બન્યું છે રૂબર્ન ટાઉન. ગામડામાં જીવનની અભિલાષા ધરાવનાર કોઈ પણ વ્યક્તિને ઉત્તરસંડા ગામની જીવન પદ્ધતિ આકર્ષે તેવી છે. અહીં દરેક મૂળભૂત જરૂરીયાતનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે ગ્રામજનોની જીવનશૈલીમાં પણ સુધારો થયો છે. રોડ, રસ્તા, પાણી, ગટર યોજના, તળાવ અને સ્વચ્છતા સહિતની મુળભૂત સુવિધાઓના તમામ માપદંડો પર ઉત્તરસંડા ગામે જમીની સ્તર પર નક્કર સિદ્વિ હાસિંલ કરી છે. ગામમાં શિક્ષણ, આરોગ્ય, કન્યા કેળવણી પર વિશેષ કામગીરી કરવામાં આવે છે. શાળાઓ હોય કે આંગણવાડી કેન્દ્રો, ભારતની સ્માર્ટ આવતીકાલ ઘડવા માટે તમામને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપડેટ કરવામાં આવ્યા છે અને સારી રીતે જાળવવામાં આવે છે. અહીંના રસ્તાઓ સ્વચ્છ અને કચરામુક્ત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ દેશની ઈમારત ગામડારૂપી પાયા ઉપર ઊભેલી છે. માટે ગામડું સ્વતંત્ર બનવું જોઈએ ગામડાના લોકો સ્વતંત્ર બનવા જોઈએ. ગાંધીજીનાં જ કદમ પર ચાલતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ વિલેજની પરિકલ્પના ઉભી કરી છે. ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ લોકોની કોઈ પણ પ્રકારની ફરિયાદના નિવારણ હેતુ સનરાઈઝ ઉત્તરસંડા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગામમાં વિવિધ સ્થળો પર ગોઠવાયેલા ૨૬ સીસીટીવી કેમેરાથી કોઈ પણ અનિચ્છિય બનાવને ટાળવા ગામની તમામ હલનચલનને મોનિટર કરવામાં આવે છે. ગામમાં ચાર પાણીની પરબ ઉભી કરવામાં આવી છે જેમાંથી ગામ લોકો ઠંડુ પાણી ભરી શકે છે. ઉત્તરસંડા ગામ દીકરીઓના વિકાસ માટે પણ ખૂબ કટીબદ્ધ છે. મુંબઈ સ્થિત ગામના જ વતની અને દાતા ડૉ. મોહનભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા સુકન્યા સમૃદ્ધિ સ્કીમ હેઠળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ૪ થી ૭ વર્ષની બાળાઓ માટે દીકરી દીઠ રૂ. ૧૧,૦૦૦ એમ કુલ ૩૪૯ દીકરીઓના ખાતામાં રૂ. ૩૮,૩૯,૦૦૦ જમા કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત સભ્ય હિનલબેન પટેલ જણાવે છે કે વર્ષ ૨૦૨૨થી લઈને અત્યાર સુધીમાં ગામના સરપંચ ઈશિતભાઈ જે. પટેલના સખત પરિશ્રમથી ઉત્તરસંડા ગામમાં અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા ૨ નવા ટેમ્પા અને ૧ નવુ ટ્રેક્ટર પણ વસાવવામાં આવ્યું છે જેના દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત ઉત્તરસંડાથી આણંદ અને ઉત્તરસંડાથી નડિયાદ તરફ જવા માટે બે નવા બસ સ્ટેન્ડનું અંદાજિત ૧૫ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. તથા ઉત્તરસંડા ગુતાલ રોડ પર ખેડા-આણંદનું બુલેટ ટ્રેનનું સ્ટેશન આપવામાં આવ્યું છે. આરોગ્યને લઈને પણ ગ્રામ સ્તરે ઉતકૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ગામનું પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર પણ ગ્રામજનોના સુસ્વાસ્થ્ય માટે સતત કાર્યરત છે. ગામના એન.આર.આઈ મિત્રોના સહયોગથીથી સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨ કરોડના ખર્ચે વેરા તળાવની કાયા પલટ કરવામાં આવી છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટ બાદ અત્યારે આ તળાવમાં સવારે ૫ થી ૧૦ અને સાંજે ૫ થી ૧૧ ના સમયે ગ્રામ લોકો વોકિંગ કરે છે ઉપરાંત તળાવના પરિસરમાં જ બનાવેલ ચિલ્ડ્રન પાર્કમા બાળકો આનંદ કિલ્લોલ કરે છે. આ સિવાય ગામમાં બીજા એક ગોયા તળાવના પણ બ્યુટીફિકેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગુણવત્તાસભર ટેકનીકલ શિક્ષણની બાબતમાં ઉત્તરસંડા આઈ.ટી.આઈનું સ્થાન સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબર પર છે. છે. રોજગાર નિર્માણમાં પણ ઉત્તરસંડા ગામની સરાહનીય કામગીરી છે. ઉત્તરસંડા ગામનાં મઠીયા પાપડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ગામમાં આવેલા ૨૦થી વધુ મઠીયા પાપડના ગૃહ ઉદ્યોગ ઉત્તરસંડા સહિત આસપાસનાં લોકોને રોજગારી પુરી પાડે છે. અહીં સામાજિક સશક્તિકરણના ભાગરૂપે ગામની ૪૦ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રાશનની કીટ આપવામાં આવે છે. ગામમાં એક દૂધ મંડળી, સેવા સહકારી મંડળી, ત્રણ પ્લેગ્રાઉન્ડ, ૧૦૦ વર્ષ જુની એક સ્કૂલ અને એક હોસ્પિટલ, ૦૫ બેંક અને ૦૧ પોસ્ટ ઓફીસ આવેલી છે. ગામમાં ૮૫ વર્ષ જૂની ઉત્તરસંડા પીપલ્સ કોઓપરેટીવ બેન્ક પણ આવેલી છે. વર્ષ ૨૦૨૩માં ઉત્તરસંડા ગામને અસ્મિતા યોજના હેઠળ ૩ લાખ રૂપિયાની સહાયનો એવોર્ડ મળેલ છે. ઉપરાંત વર્ષ ૨૦૦૮માં ખેડા જિલ્લાના પ્રથમ ગોકુળિયા ગામ તરીકેનો એવોર્ડ પણ મળેલ છે. ખેડા જિલ્લાની પ્રથમ ભૂગર્ભ ગટર યોજના ઉત્તરસંડા ગામમાં નાખવામાં આવેલી. હાલ અહીં ૩૭ લાખના ખર્ચે નવું સ્મશાન ગૃહ નિર્માણ પામી રહ્યું છે. ગામમાં વાઇફાઇની પણ સુવિધા છે. ગ્રામ પંચાયતમાં ઇગ્રામ દ્વારા ગામ લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે મદદ કરવામાં આવે છે. દર વર્ષે ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો ઘટાડો કરવા હેતુ ડિસ્પોઝલ બેગનું વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત આવતા વર્ષે ૨૫,૦૦૦ નીલગીરી વૃક્ષોનું વાવેતર કરી ગામમાં વન ઊભું કરવાનું પણ પ્લાન હાથ ધરવામાં આવ્યું છે.