કઠલાલ તાલુકામાં વીમા એજન્ટે ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી, પાકેલી રકમ ૧૦.૯૦ લાખ ઉપાડી લીધા
કઠલાલ તાલુકામાં વીમા એજન્ટે ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી, પાકેલી રકમ ૧૦.૯૦ લાખ ઉપાડી લીધા વીમા પોલિસીની રકમમાં એજન્ટની દાનત બગડતા ચાલાકીથી ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી છે. ક્લાઈન્ટ પાસેથી સહી કરેલા કોરા ૧૦ ચેક મારફતે વીમાની પાકેલી રકમ રૂપિયા ૧૦.૯૦ લાખ ઉપાડી લીધી અને માત્ર ૫૦ હજારની FD કરી આપી હતી. જોકે ગ્રાહકે બેંક સ્ટેટમેન્ટ કઢાવતાં વીમા એજન્ટે નાણાં ઉપાડ્યાનો ભાંડો ફૂટયો છે. સમગ્ર બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.કઠલાલ તાલુકાના લુણીવાળા ફળિયામાં રહેતા કાનજીભાઈ ઉર્ફે ભયલો નાથાભાઈ પરમારના મોટાભાઈ લક્ષ્મણભાઇ ટીબીની ગંભીર બીમારીથી પીડાતા હતા.લક્ષ્મણભાઇ અવારનવાર બીમાર રહેતા હોવાથી તેઓની સારવાર ગામના તબીબ પાસે ચાલતી હતી. તબીબે જણાવ્યું કે તમે લક્ષ્મણભાઇના નામનો વીમો ઉતારી દો તમારા પરિવારને કામ લાગશે તેમ કહીને કપડવંજમા બારોટવાડામાં રહેતા વીમા એજન્ટ જયદીપ રંગીલદાસ સોની સાથે ભેગા કરાવ્યા હતા. વીમાનુ કામ સાથે જયદીપ પોતે કપડવંજ શહેરમાં એક કાપડના શોરુમમા નોકરી પણ કરે છે. જેથી લક્ષ્મણભાઈએ જે તે સમયે જયદીપ પાસેથી બે વીમા પોલિસી ઉતારી હતી. જેમાં નોમીનીમા લક્ષ્મણભાઈના માતાનું નામ રાખેલ હતું. જયદીપના કહેવાથી લક્ષ્મણભાઇની માતા અને કાનજીભાઈ ઉર્ફે ભયલાનુ ભેગું ખાતુ કઠલાલની બેંકમાં ખોલાવ્યું હતું. વર્ષ ૨૦૧૮ના ડીસેમ્બર માસમાં લક્ષ્મણભાઇનુ બીમારીના કારણે ઘરે અવસાન થયું હતું. તે વખતે મરણજનારના નાનાભાઈ કાનજીભાઈ ઉર્ફે ભયલાએ જયદીપભાઈને પુછેલ કે આ બે વીમા પોલિસીની શુ કાર્યવાહી કરવાની છે ? તે સમયે જયદીપે કહ્યું હતું કે, મોટાભાઈનુ પ્રિમિયમ જમા કરવાનું હોય અને ત્યારબાદ જ તમારા મોટાભાઈના ઈન્સયોરન્સના નાણાં તમારા ખાતામાં જમા થશે. તેમ કહી સહી કરેલા ૧૦ કોરા ચેક જયદીપ લઈ ગયો હતો. થોડા સમય બાદ વીમાની પાકેલી રકમ આવેલ ન હોય કાનજીભાઈ જયદીપભાઈ પાસે ગયા હતા અને તે વખતે જયદીપે કહેલ કે તમારા મોટાભાઈના વીમાના કોઈ પૈસા પાકેલ નથી પણ તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય હું તમને મારા વતીથી રૂપિયા ૫૦ હજારની એફડી કરી આપું છું તેમ કહી એફડી કરી આપી હતી. ત્યારબાદ કાનજીભાઈ ઉર્ફે ભયલાએ બેંકનુ સ્ટેટમેન્ટ કઢાવ્યુ હતું તેમાં મરણજનાર મોટાભાઈની બે વીમા પોલિસીની રકમ ૧૦ લાખ ૯૦ હજાર ૫૦૦ જમા થઈ હોવાનું હતું અને તે રકમ કાનજીભાઈ ઉર્ફે ભયલાની જાણ બહાર ઉપરોક્ત સહી કરેલા ૧૦ ચેક મારફતે જુદીજુદી રકમ લખી તમામ નાણાં જયદીપ સોનીએ ઉપાડી લીધેલા હોવાનું જાણવા મળ્યું હતું. ખોટીરીતે નાણાં ઉપાડી લીધેલા હોવાથી આ સંદર્ભે અવારનવાર પરિવારજનો નાણાં માંગતા જયદીપ આપતો નહોતો. આથી કઠલાલ કોર્ટમાં ફરિયાદીએ દાવો મુક્યો હતો. જે આધારે ફરિયાદ લેવાનો હુકમ થતાં કાનજીભાઈ ઉર્ફે ભયલો નાથાભાઈ પરમારે ઉપરોક્ત વીમા લેવાનું કામ કરતાં જયદીપ રંગીલદાસ સોની સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.