નવમાં આંતર્રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નવમાં આંતર્રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી યોગની અમૂલ્ય ભેટને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વર્ષ-૨૦૧૫થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20 ની આ વર્ષે એક પૃથ્વી,એક સ્વાસ્થ્ય ની થીમને ધ્યાને રાખતા વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગની થીમ સાથે ૨૧મી જુન, ૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૩” ની ઉજવણી ખેડા જિલ્લામાં પણ ઉત્સાહપૂર્વક થાય તે માટે જિલ્લા કક્ષાની સમિતિની તારીખ ૧૩ જુન ૨૦૨૩ના રોજ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ તથા તાલુકા કક્ષાની ઉજવણી માટે તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે માહિતિ આપતા ઈનચાર્જ કલેક્ટર શિવાની ગોયેલે જણાવ્યું હતુ કે ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ૭૫આઇકોનિક સ્થળોએ ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખેડા જિલ્લાના નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પણ આ ૭૫ આઇકોનિક સ્થળોની યાદીમાં સમાવવામાં આવેલ છે. જેથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નડિયાદ મુકામે તા.૨૧ જુન-ર૦ર૩ ના રોજ સવારે ૦૫:૩૦ કલાક થી ૭:૪૫ કલાક દરમ્યાન જિલ્લાના મુખ્ય કાર્યક્રમ રૂપે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં બે થી ત્રણ હજાર યોગ સાધકો ભાગ લેવાના છે. આ ઉપરાંત તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પણ મુખ્ય મથકો ઉપર “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી થવા જઈ રહી છે જેમાં ખેડા જિલ્લાના પ્રત્યેક તાલુકા અને નગરપાલિકામાં કુલ મળીને ૧૫૦૦૦ થી પણ વધુ યોગસાધકો એક સાથે યોગ પ્રોટોકોલ મુજબ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક રજીસ્ટ્રેશન લિંક પણ આપવામાં આવી છે જેના દ્વારા સામાન્ય નાગરિકો પણ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીમાં ભાગ લેવા માટે પાર્ટિસિપેશન કરી શકશે. “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી રૂપે ખેડા જિલ્લામાં તારીખ ૧૫ થી ૨૦ જૂન સુધી જુદા જુદા વિભાગ દ્વારા યોગનું મહત્વ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧૫ જૂનના રોજ પંચાયત વિભાગ દ્વારા યોગ યાત્રા, તા. ૧૬ જૂનના રોજ આરોગ્ય વિભાગ દ્વારા પી.એચ.સી. – સી.એચ.સી.માં યોગ અંગે માર્ગદર્શન અને આશા-વર્કર આંગણવાડીની બહેનો દ્વારા યોગના નિદર્શન કાર્યક્રમ, તા. ૧૭ જૂનના રોજ શિક્ષણ વિભાગ દ્વારા યોગ અંગેના પ્રવચનો, પ્રભાત ફેરી, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે અને ૧૮ જૂનના રોજ ગૃહ વિભાગ દ્વારા બાઈક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખેડા જિલ્લામાં જાન્યુઆરી ૨૦૨૩ થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા અને પ્રવૃત્તિઓ દ્વારા યોગનું મહત્વ સમજાવવાની અને જન જન સુધી પહોંચાડવાની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે, જે અંતર્ગત જાન્યુઆરીમાં સાથે ૧૫૦થી વધુ યોગ સાધકો દ્વારા સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ, સ્ટેટ લેવલની યોગ સ્પર્ધાનું આયોજન, ફેબ્રૂઆરી ૫૦૦થી વધુ બાળકોને યોગ અંગેની માહિતી અને પ્રશિક્ષણ, એપ્રિલમાં ૬૦૦ થી વધુ પોલીસ કર્મીઓને યોગ માટેની તાલીમ, મે માસમાં શ્રી સંતરામ મંદિર પરિસર ખાતે વિશિષ્ટ યોગ શિબિરનું આયોજન અને કુલ બે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તા. ૧૬ જુનના રોજ ખેડા જિલ્લા સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કુલ ૪ કેટેગરીમાં યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ખેડા જિલ્લાના યોગ સ્પર્ધકો ભાગ લેશે. સાથેસાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખેડા એકમ દ્વારા તા. ૧૭મી જૂન, ૨૦૨૩ ના રોજ અમૂલ ડેરીના ખાત્રજ પ્લાન્ટ ખાતે કર્મચારીઓને કોમન યોગા પ્રોટોકોલ વિશે તાલીમ આપવામાં આવશે. વધુમાં તા.૧૯જૂન, ૨૦૨૩ના રોજ ટોરેન્ટ કેબલ નડિયાદ ખાતે કર્મચારીઓને કોમન યોગા પ્રોટોકોલની તાલીમ પણ આપવામાં આવશે.