ગરબાડાના આમલી ખજૂરિયા ગામમાં ભૌતિક સુવિધા માટે કલેક્ટરશ્રી રૂ. ૧૫ લાખ ફાળવશે આમલી-ખજુરીયા ગામે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રાત્રી સભામાં જાહેરાત રાત્રીસભામાં ૨૭ લાભાર્થીઓને વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજના હેઠળ મંજુરીપત્રો ફાળવવામાં આવ્યા
દાહોદ તા.૦૭દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આમલી-ખજુરીયા ગામે કલેક્ટર શ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઇ હતી. રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ ગ્રામજનોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ઉપસ્થિત અધિકારીઓને તાત્કાલીક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું. રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી ગામના વિકાસ કાર્યો માટે ૧૫ લાખ રૂ. ફાળવવાની જાહેરાત કરી હતી. જેને ગ્રામજનોએ હર્ષનાદથી વધાવી લીધી હતી. રાત્રીસભામાં ૨૭ લાભાર્થીઓને વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજના હેઠળ મંજુરીપત્રો ફાળવવામાં આવ્યા હતા.
કલેક્ટર શ્રી ખરાડીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, આર્થિક વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે ત્યારે મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં શિક્ષણની દિશામાં વિશેષ કાળજી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. સૌ ગ્રામજનો-અગ્રણીઓ બાળકો આંગણવાડી-શાળાઓમાં નિયમિત જાય તેનું ધ્યાન રાખે એ ખૂબ જરૂરી છે.
તેમણે ઉમેર્યુ કે, ‘શિક્ષણ સાથે આરોગ્યની પણ એટલી જ દરકાર રાખવાની જરૂર છે. ખાસ કરીને સગર્ભા માતાએ આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી તકે નોંધણી કરાવવી જોઇએ. માતાની સગર્ભાવસ્થાથી લઇને બાળકના જન્મના પહેલા ૧૦૦૦ દિવસ તેના શારિરીક માનસિક વિકાસ ખૂબ અગત્યના હોય માતા બાળકને પોષણયુક્ત આહાર લેવો જોઇએ. ઘરના સૌ સભ્યોએ સગર્ભા માતાની કાળજી લેવી જોઇએ.’ સાથે કલેક્ટરશ્રીએ આ પ્રસંગે મહાત્વાકાંક્ષી જિલ્લાના વિવિધ સૂચકાંકોને ગ્રામજનોને સરળ ભાષામાં સમજાવ્યા હતા.
રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ ગ્રામજનોએ પૂછેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા. ગ્રામજનોએ કરેલી રજૂઆતોમાં ગામના વેડ ફળીયામાં બોર વીથ મોટર કરવા માટે, ગામના બે તળાવોની પાળને ચોમાસા પહેલા દુરસ્ત કરવા અંગે, સોલર સ્ટ્રીટ લાઇટ ફાળવવા, મરઘા પાલન માટે લોન સહાય જેવી રજૂઆતો કરી હતી. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને આ પ્રશ્નો સંદર્ભે ત્વરિત કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે રાત્રીસભામાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ‘નાગરિકોની સુરક્ષાએ અમારી મુખ્ય પ્રાથમિકતા છે. વિદ્યાર્થીકાળથી જ બાળકોને યોગ્ય શિક્ષણ અને કૌશલ્ય શીખવવામાં આવે તો પાકટ વયે તેને યોગ્ય દિશા મળી જાય છે અને બેકારી વગેરે જેવા કારણોસર ગુનાખોરી તરફ વળવાનું કારણ રહેતું નથી.’ ગ્રામજનોને તેમણે બાળકોના શિક્ષણ બાબતે આર્થિક સહિત કોઇ પણ પ્રકારની મદદ માટે તત્પરતા દાખવી હતી.
રાત્રીસભામાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાના વિભાગની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપી હતી.
રાત્રીસભામાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા બાગાયાત વિભાગ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, સરપંચશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
#dahod #sindhuuday

