અવાજનું પ્રદૂષણ ફેલાવતા ૬ ડીજે સંચાલકો સામે પોલીસ ફરિયાદ : સામાન જપ્ત
દાહોદ તા.13
બેફામ રીતે ડીજે વગાડી જનપરેશાની વધારતા ડીજે સંચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા પગલાં
ડિસ્ક જોકીના કારણે ફેલાતા ત્રાસદાયક અવાજને નિયંત્રિત કરવા માટે જિલ્લા સમાહર્તા દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમનકારી જાહેરનામાનો ભંગ કરતા કુલ ૬ ડીજે સંચાલકો સામે ફરિયાદો પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. બેફામ રીતે ડીજે વગાડી જનપરેશાની વધારતા ડીજે સંચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા સામાન જપ્તી સહિતના કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
સમયાંતરે યોજાતી વિવિધ પરીક્ષાઓ, દર્દીઓ તથા અબાલવૃદ્ધોને ખલેલ પહોચવી ઉપરાંત અવાજનું પ્રદૂષણ ફેલાવવા સહિતના કારણોને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડીને ડીજેના સંચાલન પર કેટલાક વાજબી નિયંત્રણ લાદ્યા હતા અને તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જેનો જિલ્લામાં અસરકારક અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે સૂચના આપી હતી.
ઉક્ત બાબતોને ધ્યાને લઇ પોલીસ તંત્રએ ટૂંકા સમયગાળામાં જ ૬ ડીજે સંચાલકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કર્યો હતો અને તેના સંચાલકો સામે ફરિયાદ નોંધી ડીજે વગાડવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો, વાહનો પણ જપ્ત કરી લીધા હતા. આ સંચાલકો કોઇ પણ મંજૂરી કે નોંધણી વિના જ બેફામ રીતે ડીજે ચલાવતા અને તે દરમિયાન જ પોલીસની ઝપટે ચડી ગયા હતા.
અત્યાર સુધી દાખલ કરવામાં એફઆઇઆરમાં પોલીસને રાઉન્ડ દરમિયાન કે કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ મળી હતી. જેમાં પરીક્ષા આપી રહેલા છાત્રોના વાલી દ્વારા ફોન કરવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસ દ્વારા તુરંત અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીજે સંચાલકો પણ કલેક્ટરશ્રીની જાહેરનામાનો સ્વઅનુશાસનપૂર્વક અમલ કરે તે સલાહભર્યું છે. આ ઉપરાંત, જે નાગરિકોને ત્યાં પ્રસંગ હોય તે પણ નોંધાયેલા ડીજે સંચાલકોને જ બોલાવે તે હિતાવહ છે. કેમકે, બિનનોંધાયેલા ડીજે સંચાલકો સામે ચાલુ પ્રસંગે પોલીસ કાર્યવાહી થઇ શકે છે.
#dahod #sindhuuday

