દાહોદ આઇટીઆઇએ એક સપ્તાહમાં પાંચ ભરતી મેળા યોજ્યા, ૧૮૮ ઉમેદવારોને નોકરી મળી માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં સતત પાંચ દિવસ સુધી ભરતી મેળા યોજી આઇટીઆઇએ ઇતિહાસ સર્જ્યો

ઝાલોદ રોડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલુ માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવેલા ભરતી મેળા દરમિયાન ૧૮૮ રોજગારવાંચ્છુ ઉમેદવારોને બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી મળી છે. એક જ સપ્તાહમાં લગલગાટ પાંચ દિવસ યોજવામાં આવેલા રોજગાર મેળામાં કુલ ૮૩૩ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. એક સપ્તાહમાં આવી રીતે ઔદ્યોગિક ભરતી મેળા યોજીને દાહોદ આઇટીઆઇએ ઇતિહાસ સર્જી દીધો છે. ભૂતકાળમાં આવી રીતે ક્યારેય સતત પાંચ દિવસ સુધી ભરતી મેળા યોજાયા નથી.
ઉક્ત બાબતની માહિતી આપતા આચાર્ય શ્રી કૌશિક કણઝારિયાએ જણાવ્યું કે, માર્ચ માસની બીજી તારીખે યોજાયેલા મેળામાં હિરો કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે કુલ ૬૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને જે પૈકી કુલ ૧૫ ઉમેદવારોની પસંદગી થઇ હતી. ત્રીજી તારીખે રોકમેન ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપસ્થિત રહેલા કુલ ૧૧૦ ઉમેદવારો પૈકી ૭૪, ચોથી તારીખે હોન્ડા કંપની માટે ૬૦ ઉમેદવારો પૈકી ૪૨, પાંચમી તારીખે એમ. એન. વિન્ડ પાવર માટે ૫૪૦માંથી ૪૫ અને છઠ્ઠી તારીખે સુઝીકી મોટર્સ માટે ૫૫માંથી ૧૨ ઉમેદવારોની નોકરી માટે પસંદગી થઇ હતી.
પસંદગી પામેલા ઉમેદવારોને પ્રારંભિક માસિક રૂ. ૧૦ હજારથી માંડીને રૂ. ૧૫ હજારના પગારે નોકરીની ઓફર થઇ છે. જેમાં ઉમેદવારોને રહેવા, પરિવહનની વીનામૂલ્યે સેવા ઉપરાંત રાહત દરે ભોજનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. કેટલીક કંપનીઓમાં સારો પગાર ઓફર થતો હોવાથી તેમાં નોકરી માટે ઉમેદવારો સારા પ્રયત્નો કરે છે. તેમના પ્રયત્નોને દાહોદ આઇટીઆઇ દ્વારા પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા રોજગારીની તકોના નિર્માણની બાબતને અગ્રતા આપવામાં આવી રહી છે. જેમાં દાહોદ આઇટીઆઇ દ્વારા આવા રોજગાર ભરતી મેળાઓ સમયાંતરે યોજાતા રહે છે. કલેક્ટર શ્રી વિજય ખરાડી પણ આ બાબતનું સતત નિરીક્ષણ કરતા રહે છે.
#dahod #sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: