દાહોદ જિલ્લામાં ૯ સ્થળોએ ક્વોરોન્ટાઇન વોર્ડ બનાવતું જિલ્લા આરોગ્ય તંત્ર
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ ડીસીઝ સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અગમચેતીના વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે જિલ્લામાં લોકજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લાની ત્રણ હોસ્પીટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે અને ૯ સ્થળોએ સંદિગ્ધ દર્દીઓ માટે ક્વોરોન્ટાઇન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ અંગે સારવાર અર્થે હોસ્પિટલોમા આઈસોલેશન વોર્ડ, ક્વોરોન્ટાઈન વોર્ડની વ્યવસ્થા કરવામા આવી છે. જેમાં ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ૧૦ બેડ, રેલ્વે મેઈન હોસ્પિટલ દાહોદ મુકામે ૧૦ બેડ અને સુંદરમ હોસ્પિટલ ઝાલોદ મુકામે ૨ બેડ મળીને કુલ ૩ હોસ્પિટલોમા આઈસોલેશન વોર્ડ ૨૨ બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય ૮ હોસ્પિટલો અને ૧ હોસ્ટેલ મળી કુલ ૯ સ્થળોએ શંકાસ્પદ દર્દીઓનાં સંપર્કમાં આવેલ વ્યક્તિઓ માટે અલાયદા ક્વોરોન્ટાઈન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટીયા, રેલ્વે મેઈન હોસ્પિટલ, સુંદરમ હોસ્પિટલ ઝાલોદ, મહાવીર હોસ્પિટલ દાહોદ, અર્બન હોસ્પિટલ રળીયાતી દાહોદ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર, ઝાલોદ તેમજ સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ દે.બારિઆ અને એપ્રેન્ટીસ મેકેનીકલ હોસ્ટેલ, વેસ્ટર્ન રેલ્વે પરેલ દાહોદ આ તમામ સ્થળોએ કુલ મળીને ૧૭૬ બેડ સાથે ક્વોરોન્ટાઈન વોર્ડ ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.
જિલ્લામા ઝાયડસ હોસ્પિટલ દાહોદને કોરોના વાયરસ અંગે ડીઝીગ્નેટેડ હોસ્પિટલ નિયત કરવામા આવી છે. જિલ્લા કક્ષાએ તેમજ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે મળીને લોજીસ્ટીકમાં ૫૯૦ પર્સનલ પ્રોટેક્ટીવ કીટ, ૫૩૦ N-95 માસ્ક, ૩૦૦ થ્રી લેયર માસ્ક ઉપલબ્ધ છે. જિલ્લામા કુલ ૯૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૨૧ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૨૪ કલાક આવશ્યક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાએથી કોરોના વાયરસ અસરગ્રસ્ત દેશોમાંથી જિલ્લાઓમા પરત આવનાર પ્રવાસીઓની યાદી મોકલવામા આવે છે જે પૈકી યાદી મુજબના જિલ્લાના પ્રવાસીઓનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા મુલાકાત હાથ ધરી, પ્રાથમિક મેડિકલ તપાસ કરી અને ૧૪ દિવસ ફોલોઅપ કરવામા આવે છે તેમજ હોમ ક્વોરોન્ટાઈન માટે સલાહ આપવામા આવે છે. જીલ્લાના આવા ૩૦ થી વધુ પ્રવાસીઓનુ ફોલોઅપ કરવામાં આવ્યું છે. તે પૈકી કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ લક્ષણો ધરાવતા જણાયા નથી.
જિલ્લામા હાલમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ફરજ બજાવતા મેડિકલ ઓફિસર્સ તેઓની ટીમ સહિત તેમજ આશા બહેનો ઘરે ઘરે ફરીને કોરોના વાયરસ બાબતે પ્રચાર પ્રસાર કરી જનસમુદાયમા કોરોના વાયરસ બાબતે લેવાની કાળજીની માહિતી આપી રહ્યા છે. જિલ્લાના ખાનગી તબીબો તેમજ તજજ્ઞોનો તાલીમ કમ વર્કશોપ રાજ્ય કક્ષાથી આવેલા નોડલ અધિકારીશ્રી દ્વારા લેવામાં આવ્યો છે. જનજાગૃતિ અર્થે કોરોના વાયરસ અંગેના ૧૦૦૦ બેનર્સ તેમજ ૨ લાખ પત્રિકાઓનું વિતરણ કરવામા આવ્યું છે.
જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો તેમજ બાલવાડી કેન્દ્રો, શાળાઓ, મહાશાળાઓ, કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમા શૈક્ષણિક કાર્ય તા.૨૯/૦૩/૨૦૨૦ સુધી બંધ કરવા સુચના અપાઇ છે. જાહેરમા થુંકવા પર રૂ.૫૦૦ નો દંડ ફટકારવામા આવશે. જિલ્લા કક્ષાએ કોરોના વાયરસ અંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટ, કલેક્ટર કચેરી દાહોદ મુકામે ૨૪x૭ ના ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર શ્રી વિજય ખરાડીની સુચના અને માર્ગદર્શનથી કન્ટ્રોલ રૂમ તા.૦૬/૦૩/૨૦૨૦ થી કાર્યાન્વિત કરવામા આવ્યો છે. જેનો ટેલિફોન નંબર ૦૨૬૭૩- ૨૩૯૨૭૭, ૨૩૯૧૨૩ છે. આ અંગે લોકોમા ખોટો ગભરાટ ન ફેલાય તેમજ અફવાઓથી દુર રહેવા માટે જિલ્લા વહિવટી તંત્ર લોકોને જાગૃત કરી રહ્યું છે.
કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી, જરૂર છે ફક્ત સાવધાની રાખવાની. કોરોના વાયરસ માટે જાહેર જનતાએ આ મુજબ સાવચેતી રાખવાની જરૂર છે. વારંવાર સાબુથી હાથ ધોવા/ હેન્ડ સેનીટાઈઝર નો ઉપયોગ કરવો, છીંક આવે ત્યારે મોઢા આગળ રૂમાલ નો ઉપયોગ કરવો, શરદી-ખાંસી/ ફ્લુ જેવા લક્ષણો ધરાવતી વ્યક્તિથી અંતર રાખવુ, ભીડમાં જવાનુ ટાળો, બિનજરૂરી પ્રવાસ મુસાફરી ન કરો, જરૂર હોય તો ફેસ માસ્કનો ઉપયોગ કરવો, હાથ મીલાવવાના બદલે, નમસ્કાર થી અભિવાદન કરો, ચીન ઉપરાંત અન્ય કોઈપણ કોરોનાગ્રસ્ત દેશમાંથી આવેલ પ્રવાસીઓની જાણ થાય તો તાત્કાલીક જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવી. જાહેરમા થુંકવુ નહિ, જીવંત પશુઓનો અસલામત સંપર્ક ટાળવો, મરઘા ઉછેર કેન્દ્ર, પશુ બજાર, કતલખાનાની મુલાકાત ન લેવી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, દાહોદએ એક અખબારી યાદીમાં ઉક્ત માહિતી આપી છે.
#Dahod #Sindhuduay