અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ મુજબની સૂચનાઓ જાહેર કરી
દાહોદ જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ રેલી અને જાહેર મેળાનું આયોજન કરી શકાશે નહી,
થિયેટરો નાટ્ય ગૃહ સ્નાનાગર બંઘ રાખવા સૂચના
દાહોદ જિલ્લાના મહેસુલી હદ વિસ્તારમાં તા. ૨૯/૦૩/૨૦૨૦ સુધી સૂચનાઓનો અમલ કરવાનો રહેશે
દાહોદ, તા. ૧૮ : રાજય સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજયમાં ‘ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦’ લાગુ કર્યો છે. તદનુસાર કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા દાહોદ જિલ્લાના મહેસુલી હદ વિસ્તારમાં તા. ૨૯/૦૩/૨૦૨૦ સુધી આ મુજબની સુચનાઓનો અમલ નાગરિકો અને સંસ્થાઓએ કરવા દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે. દવેએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જાહેર સ્થળોએ એકઠા થવું નહી, જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ, રેલી અને જાહેર મેળાઓનું આયોજન કરવું નહી અને મુલત્વી રાખવા, થિયેટરો, નાટ્ય ગૃહ, સ્નાનાગર બંઘ રાખવા, જાહેર સ્થળોએ થુંકવુ નહી કે શૌચક્રિયા કરવી નહી, જાહેર સ્થળો અને ખાણીપીણીની જગ્યાએ સ્વચ્છતા જાળવવી, બસસ્ટેશન અને રેલ્વે સ્ટેશને સ્વચ્છતા જાળવવી, ભીડભાડવાળી જગ્યાએ એકઠા થવું નહી કે પોતાના બાળકોને મોકલવા નહી, મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા સંભવ હોય તેવા સામાજિક, ધાર્મિક મેળાવડા શકય હોય તો ટાળવા, આરોગ્ય વિભાગ અને રાજય સરકાર મારફતે જુદાજુદા માધ્યમોથી પ્રસારિત થનારી સુચનાઓનો અચુક અમલ કરવો, અફવાઓથી ગભરાવું નહી પરંતુ સાવચેતી રાખવી, કોરોના વાયરસના લક્ષણ જણાય તો સત્વરે સ્થાનિક હોસ્પીટલ કે સ્થાનિક વહિવટી તંત્રને જાણ કરવી. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવામાં જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપવા આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
#dahod #sindhhuday

