મહેમદાવાદ પાસે પ્રેમી પંખીડાએ વાત્રક નદીમાં ઝંપલાવી મોતને ભેટ્યા
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ પાસે પ્રેમી પંખીડાએ વાત્રક નદીમાં ઝંપલાવી મોતને ભેટ્યા મહેમદાવાદના પરસાતજ ગામના યુવક-યુવતીએ એકબીજાને બાથ ભીડી વાત્રક નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ છે. મહેમદાવાદ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેમદાવાદ તાલુકાના પરસાતજ ગામે રહેતા જીતેન્દ્ર ભરતભાઈ ગોહિલ અને ગામમાં રહેતી કિંજલબેન વિક્રમભાઈ ડાભી બંન્નેનો મૃતદેહ વિરોલ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાં બાથ ભીડેલી હાલતમાં સોમવારે સવારે જોવા મળ્યા હતા. સ્થાનિકોએ જાણ મહેમદાવાદ પોલીસને કરતાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાંથી બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઓળખ છતી કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આ બંનેને એકબીજા સાથે પ્રેમ સંબંધ હોય પણ આ પ્રેમ સમાજ નહીં સ્વીકારે તેમજ સમાજ લગ્ન નહીં કરવા દે તેવા ડરથી એકબીજાને બાથભીડી સજોડે આપઘાત કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે લાલાભાઈ રામાભાઈ ગોહિલની જાહેરાતના આધારે અપમૃત્યુની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
