પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસુ, સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ.
નરેશ ગનવાણી નડિયાદ
પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસુ, સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નડિયાદ પાસેના જુના બિલોદરા ગામની દિકરીને પતિ, સાસુ, સસરાએ કહ્યું કે તને રાખવાની નથી તુ છુટાછેડા આપી દે તેમ કહેતા ન્યાય માટે પીડીતાએ મહિલા પોલીસમાં અરજી કરી હતી. જોકે આ બાદ સમાધાન થતાં પીડીતા પોતાના સાસરીમાં જતાં સાસરીના લોકો તેણીની સાથે મારઝૂડ કરતાં ફરીથી આ મામલો મહિલા પોલીસમાં પહોંચ્યો છે અને પરીણીતાએ સમગ્ર મામલે પોતાના પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવી છે. નડિયાદ તાલુકાના જુના બિલોદરા ગામે રહેતી ૨૨ વર્ષિય યુવતીના લગ્ન ૪ વર્ષ અગાઉ આણંદના યુવાન સાથે થયા હતા. ત્રણ વર્ષ સુધી લગ્ન જીવન સારી રીતે ચાલ્યુ છેલ્લા એક વર્ષથી યુવતીના સાસરીના લોકોનો ત્રાસ વધ્યો છે. પતિ અવારનવાર કહે કે તને મારે રાખવી નથી તેમ કહી ઝઘડો કરતો તો વળી સાસુ અને સસરા પણ પોતાના દિકરાનો પક્ષ લઈ તેણીની સાથે ઝઘડો કરતાં હતા. અને છુટાછેડા માટે દબાણ કરતા હતા. આ વચ્ચે તેના પતિ તેણીને પિયરમાં મુકી ગયો હતો. પરીણીતાએ છુટાછેડા આપવાની ના પાડી આમ છતાં તેણીના લોકો તેડવા આવ્યા નહીં તેથી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા એ પછી વાત સમાધાન પર આવી અને પરીણીતાને તેના સાસરીના લોકો તેડી ગયા. જોકે સાસરીમાં ગયા બાદ આ લોકો કોઈ બોલાવતું નહોતું અને સારી રીતે રાખતા ન હતાં તેમજ પતિએ કહેલ કે તે પોલીસમાં અરજી કેમ કરી તેમ કહી મારઝૂડ કરેલ હતી. જેથી પતિ અને સાસરીના ત્રાસથી કંટાળેલી પરીણીતાએ નડિયાદ કોર્ટમાં ભરણ-પોષણનો કેસ મુક્યો હતો. ૧૩ મે ના રોજ કોર્ટમાં મુદત હતી પતિ, સાસુ , સસરા સારી રીતે રાખતા ન હોય પીડીતાએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી અને સમગ્ર મામલે નડિયાદ મહિલા પોલીસમાં પોતાના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.