કોરોના સામે સાવચેતી રાખવા દાહોદના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ
દાહોદ તા.20
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને સંપૂર્ણ સહકાર આપવા સ્થાનિક ધાર્મિક અગ્રણીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોએ એક સૂરે અપીલ કરી છે. કોરોના વાયરસ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત રીતે રાખવાની થતી ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે પણ આ અગ્રણીઓએ અપીલ કરી છે.
દાહોદના દેસાઇવાડા વિસ્તારમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજી શ્રી વિનોદભાઇ તથા વક્તા શ્રી નલીનભાઇ ભટ્ટએ જણાવ્યું કે, કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. કોરોના વાયરસના સંસર્ગમાં આવવાથી તે લાગું પડે છે. તેથી તમામ નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યની વ્યક્તિગત રીતે તકેદારી રાખવી જોઇએ. બહારથી આવીને હાથ સારી રીતે હાથ ધોવા જોઇએ. કોઇ પણ માંદગીના લક્ષણ જણાઇ તો તુરંત જ તબીબને બતાવવું જોઇએ. તેમણે સામુહિક રીતે પણ કેટલીક બાબતોનો ચુસ્તપણે અમલ કરવો જોઇએ. મેળાવડામાં ના જવું જોઇએ. કોઇ પ્રસંગમાં જવાનું ટાળવું જોઇએ. આપણા સામુહિક સંકલ્પના બળથી સકારાત્મક ઊર્જાનો સંચાર કરી સરકારના પ્રયત્નોમાં સહકાર આપવો જોઇએ.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રવિવારના રોજ જનતા કરફ્યુની અપીલ કરી છે. તેમાં સૌએ જોડાવું જોઇએ. અમે એના કારણે હવેલીના દર્શનના સમયમાં પણ ફેરફાર કર્યો છે.
દાહોદમાં વસતા વહોરા સમાજના આમીલ અને ધાર્મિક અગ્રણી શ્રી શેખ ઝોહેરભાઇ બદરી કોરોના બાબતે લોકઅપીલ કરતા જણાવ્યું કે, કોરોના વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી. કોઇને મળતી વખતે નમસ્કાર કે સલામ કરો, હસ્તધનુન ટાળો. ધાર્મિક કે સામાજિક પ્રસંગોનું આયોજન ન કરો અને જવાનું પણ થઇ શકે તો ટાળો. ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલનો અવશ્ય ઉપયોગ કરો. સરકાર તરફથી પગલાં લેવામાં આવી રહ્યા જ છે આપણે પણ સરકારને સહયોગ આપીએ અને વખતોવખત સરકાર તરફથી કરવામાં આવતા સૂચનોનું ચુસ્તપણે પાલન કરો.
દાહોદ જિલ્લામાં મુસ્લીમ સમાજના ધાર્મિક વડા શ્રી જૈનુદ્દીન મીયાં મહેબુબ મીયાં કાઝીએ કોરોના બાબતે જનસંદેશ આપતા જણાવ્યું કે, કોરોનાનો પ્રભાવ વધતો જાય છે ત્યારે આપણે સૌએ સાવચેતીના પગલાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. સરકાર દ્વારા આ માટે વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે ધ્યાને લઇ એ પ્રમાણે અમલ કરીએ. અફવાઓથી દૂર રહીએ. સામાજિક મેળાવડામાં જવાનું ટાળીએ. જાહેરમાં થુકવું નહી, નમસ્તે કે સલામની આદત પાડી એક સલામત અંતર જાળવીએ. ખોટી મુસાફરી કે અવરજવર ટાળવી જોઇએ. આપણે સૌએ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ અને સરકારને પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ.
#dahod sindhuuday