યુવતીની મદદ કરતા મામલો બિચક્યો કાર ચાલકે ચપ્પા વડે હુમલો કરતા એક ઘાયલ.
નરેશ ગનવાણી નડિયાદ
યુવતીની મદદ કરતા મામલો બિચક્યો કાર ચાલકે ચપ્પા વડે હુમલો કરતા એક ઘાયલ
કઠલાલ તાલુકાના વેજલીયા વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ વિનોદભાઈ ડાભી જે નજીક આંબા હોટલ પાસે કપડાની દુકાન ચલાવે છે. ગત ૧૨મી જુલાઈના રોજ તેઓ અને તેમના મિત્ર હિતેશભાઈ વિષ્ણુભાઈ ઝાલા છીપડી પાટીયાથી પરત આંબા હોટલ ખાતે આવી રહ્યા હતા.તે સમયે રતનપુર બ્રીજ નજીકના સર્વિસ રોડ પર એક અજાણી એક્ટિવા ચલાવતી યુવતીએ આ બંને યુવાનો પાસે મદદ માંગી હતી અને જણાવ્યું કે, સ્વિફ્ટ કાર ચાલક મને હેરાન કરે છે. આથી સુરેન્દ્રસિંહ અને હિતેશભાઈએ કાર ચાલકને રોક્યો હતો અને જોયું તો કાર ચાલક બીજો કોઈ નહીં સુરેન્દ્રસિંહના ભાગીદાર મુકેશભાઈનો કૌટુંબિક સાળો શૈલેષભાઈ હિરાભાઇ ડાભી (રહે.ગાડવેલ, તા.કઠલાલ) હતો. જેથી સુરેન્દ્રસિંહ કહ્યું કે તમે આ છોકરીને કેમ હેરાન કરો છો પાછળ પાછળ કેમ જાવ છો, તેમ કહેતા શૈલેષે સુરેન્દ્રસિંહ અને હિતેશભાઈ સાથે બોલાચાલી કરી હતી. જોકે મામલો શાંત પડ્યો હતો.ત્યારબાદ થોડે આગળ જતાં ગાડવેલ બ્રીજ પાસે કાર ચાલક શૈલેષભાઈ હિરાભાઇ ડાભીએ આ બંન્ને લોકોના વાહનને રોકી ગાડીમાંથી બહાર નીકળી પેલી છોકરી તારી બહેન થતી હતી ? તેમ કહી અપશબ્દો બોલી કારમાંથી ચપ્પુ લઈ આવી હુમલો કર્યો હતો. જોકે, હિતેશભાઈ અને અન્ય એક વ્યક્તિ વચ્ચે છોડાવવા પડતા તેઓ પર પણ હુમલાખોરે હુમલો કર્યો હતો પણ તે લોકો બચી ગયા હતા. ચપ્પાની ધાર સુરેન્દ્રસિંહ વિનોદભાઈ ડાભીને વાગી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવ સંદર્ભે ઘાયલ સુરેન્દ્રસિંહ વિનોદભાઈ ડાભીએ આ હુમલાખોર શૈલેષભાઈ હિરાભાઇ ડાભી (રહે.ગાડવેલ, તા.કઠલાલ) સામે કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.