પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ચાલતી અનોખી બેન્ક.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ચાલતી અનોખી બેન્ક શિક્ષણ ઘડતર સાથે નાણાકીય ઘડતરના પાઠ ભણાવતી ખેડાની કાજીપુરા શાળા ખેડા જિલ્લાના ખેડા તાલુકાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા આ માટે એક પહેલ કરવામાં આવી છે. નાના બાળકોને શિક્ષણની સાથે નાણાંના વપરાશની યોગ્ય સમજ આપી નાણાંનું વ્યવસ્થાપન કેટલું જરૂરી છે તેના પાઠ પણ શીખવાડવામાં આવે છે. આ સરકારી શાળામાં આ માટે અનોખી બેન્ક શરૂ કરવામાં આવી છે. આ બેન્કનું નામ ‘બેંક ઓફ કાજીપુરા’ રાખવામાં આવ્યું છે. આ બેન્કનું સંપૂર્ણ સંચાલન કાજીપુરા શાળાના ધોરણ-૧ થી ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. કાજીપુરા શાળાના આચાર્ય સુનિલભાઈ આ બેંક વિશે જણાવે છે કે, આ બેન્કની શરૂઆતથી વિદ્યાર્થીઓ શાળાકાળથી જ નાણાનું મહત્વ સમજે, પોતાના ખર્ચ પોતે ઉપાડી આત્મનિર્ભર બને અને બચત વિશેનો ખ્યાલ તેમનામાં કેળવાય તે છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે જરૂરી નાણાની અછત ન વર્તાય તે માટે તેઓ બહારની ચીજવસ્તુઓ ખાવામાં વપરાતા નાણાને બચાવીને એ પૈસાની બચત કરે છે. જેથી આ બચતના નાણાનો ભવિષ્યમાં પોતાના શિક્ષણ પાછળ ઉપયોગ થઇ શકે અને માતા-પિતા પાસેથી પૈસા માંગવા ન પડે. પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવો મૂળ હેતુ આ બેન્ક શરૂ કરવા પાછળનો છે તેમ તેઓ વધુમાં ઉમેરે છે. બચત કરેલા નાણાં તેઓ પ્રવાસ, બાળમેળા, સ્કૂલ યુનિફોર્મ, અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજવસ્તુઓમાં વાપરે છે. બાળકોની આ બેંક ‘નાણાં હોય ત્યારે બધા વાપરવા નહીં, પણ તેની થોડી બચત પણ કરવી’ ના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરે છે. બાળપણમાં શિક્ષણની સાથે બચતનો પણ ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે આ શાળા અને આ બેન્ક એકસાથે કાર્યરત છે. આ બેન્કમાં ધોરણ-૬માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ -૭ માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં કુલ ૨૪૨ ખાતા છે. આ બેંક દ્વારા બાળકોના પૈસા પર વાર્ષિક ૮ % વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેન્ક ઉપયોગી સાબિત થઇ રહી છે. ભવિષ્યમાં આ ગુણોને સથવારે કોઇ વિદ્યાર્થી આઇ.આઇ.એમ. અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં જાય તો નવાઇ નહીં. જી-૨૦ અંતર્ગત ગુજરાતના આંગણે અત્યારે રિઝર્વ બેંકના ગવર્નર અને નાયબ ગવર્નર, જી-૨૦ દેશોના નાણા મંત્રીશ્રીઓની બેઠકો યોજાઇ રહી છે. ત્યારે ખેડા જિલ્લાની નાનકડા ગામની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત શાળાએ નાણાકીય વ્યવસ્થાપનનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.



