સંધાણા ગામ પાસે પોલીસે બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા ૧૫.૭૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

નરેશ ગનવાણી નડિયાદ

સંધાણા ગામ પાસે પોલીસે બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા ૧૫.૭૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

ખેડા માતરના સંધાણા ગામના હાઈવે પરથી પોલીસે પીછો કરેલ વાહનમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા ૧૫.૭૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવમાં ચાલક  ભાગવામાં સફળ થયો છે. પોલીસે દારૂનો જથ્થો સાથે વાહન મળી કુલ રૂપિયા ૨૫.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગઇ કાલે ડભાણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન  બાતમી મળી હતી કે, આણંદ તરફથી કોઈ વાહન દારૂનો  જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસના માણસો વોચમા ઊભા હતા. તે દરમિયાન  વાહન આવતાં પોલીસે  બંધ બોડીની ગાડીને ઉભી રાખવાનો  પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી નંબર (HR 55 AK 8479)ના ચાલકે આ પોલીસની નાકાબંધી તોડી ભાગ્યો હતો. આથી ત્યાં હાજર પોલીસે તે વાહનનો પીછો કર્યો હતો અને લગભગ ૯ કીમી દુર સંધાણા ગામ પાસેના ઓવરબ્રિજ પર પોલીસ પહોંચે તે પહેલાં જ વાહન ચાલક ત્યાંથી વાહન મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતાં બંધ બોડીની ગાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ ૬૯૨૪ નંગ જેની કિંમત રૂપિયા ૧૫ લાખ ૭૮ હજાર તેમજ ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા ૨૫ લાખ ૭૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ચાલક સામે માતર પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!