પીપલોદ પોલિસે ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. ૮૫ હજાર ઉપરાંતની કુલ કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યું.
દાહોદ તા.૧૦
પથિક સુતરીયા દે. બારીયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે ભરવાડ ફળીયામાં રહેતા એક બુટલેગર કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની હાટડી પર પીપલોદ પોલિસે ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. ૮૫ હજાર ઉપરાંતની કુલ કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
પંચેલા ગામે ભરવાડ ફળિયામાં રહેતા બુટલેગર ભાવેશભાઈ હીરાભાઈ ભરવાડનાં કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો હોવાની બાતમી પીપલોદ પી.એસ.આઈ.જી.બી. પરમારને મળી હતી જે બાતમીના આધારે પી.એસ.આઈ જી.બી. પરમારે પોતાના સ્ટાફના પોલિસ કર્મચારીઓને સાથે લઈ બાતમીમાં દર્શાવેલ પંચેલા ગામે ભરવાડ ફળિયામાં રહેતા ભાવેશભાઈ હીરાભાઈ ભરવાડના રહેણાંક મકાનમાં ગતરોજ રાતે સવા સાત વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની પેટીઓ તથા છુટ્ટી કાચની ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો મળી રૂા. ૮૫,૩૭૦ની કુલ કિંમતની બોટલ નંગ-૩૨૦ પકડી પાડી કબજે લીધી હતી જ્યારે પોલિસની રેડ વખતે બુટલેગર ભાવેશભાઈ હીરાભાઈ ભરવાડ ઘરે હાજર ન હોવાથી પોલિસ તેને પકડી શકી ન હતી.આ સંબંધે પીપલોદ પોલિસે પંચેલા ગામના ભરવાડ ફળીયામાં રહેતા ભાવેશભાઈ હીરાભાઈ ભરવાડ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.