મહેમદાવાદના વ્યક્તિનું ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનામાં કમકમાટીભર્યું મોત નીપજયું.
મહેમદાવાદના વ્યક્તિનું ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનામાં કમકમાટીભર્યું મોત નીપજયું છે
ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનામાં કમકમાટીભર્યું મોત નીપજયું છે. આ બનાવમાં તેની સાથે ૪ ગુજરાતીઓ મળી કુલ ૫ લોકોના મોત થયાં છે.ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં સ્વીફ્ટ ડિઝાયર કાર દબાઈ જવાથી પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. અને તેમાં ૪ ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. હરિદ્વારથી કેદારનાથ રસ્તા વચ્ચે રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતા કાર દટાઈ હતી. કારમાં સવાર ૪ શ્રદ્ધાળુ ગુજરાતી હતા. જેમાં ૩ અમદાવાદ અને ૧ મહેમદાબાદના રહેવાસી હતા. મહેમદાવાદના દિવ્યેશ અશોકભાઈ પરીખ (ઉ.વ.૫૧) હોવાનું સામે આવ્યું છે. તેઓનું મોત થતાં તેમના વતન મહેમદાવાદમા શોકનો માહોલ છવાયો છે.દિવ્યેશભાઈ પોતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેઓ મહેમદાવાદ શહેરમાં આવેલ રણછોડજી પોળ વિસ્તારમાં રહે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ અહિયાં એકલા રહે છે. બનાવની જાણ થતાં શહેર મામલતદાર સંગ્રામસિંહ બારૈયા શનિવારે સવારે તેમના ઘરની મુલાકાતે દોડી આવ્યા હતા. પરંતુ ઘરે લોક હોવાનુ મામલતદારે જણાવ્યું છે. વધુમાં એમના ભાઈ વડોદરા રહે છે અને તેઓ મૃતદેહને લેવા ગયા હોવાની વિગતો સામે આવી છે.


