દાહોદ શહેરના પરેલ,ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં ચીકનગુનીયા રોગનું પ્રમાણ વધતાં.
સિંધુ ઉદય
દાહોદ શહેરના પરેલ, ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં ચીકનગુનીયા રોગનું પ્રમાણ વધતાં દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.હાલ જ્યારે ચોમાસા જેવી ઋતુ ચાલી રહી છે ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ચીકનગુનીયા, મલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગોએ માઝા મુકી છે. આવા રોગોને પગલે દાહોદ જિલ્લાની સરકારી હોસ્પિટલોથી લઈ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે દાહોદ શહેરના પરેલ, ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં ચીકનગુનીયાના રોગનું પ્રમાણ વધતાં અને દર્દીઓની સંખ્યા વધતાં તાત્કાલિક ધોરણે આ અંગેની જાણ દાહોદ આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ચીકનગુનીયા, મલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગોને નાથવા માટે તાત્કાલિક ધોરણે સમગ્ર પરેલ વિસ્તારમાં ફોગીંગની કામગીરી હાથ ધરી હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં આવા રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા દાહોદ જિલ્લાના અનેક સ્થળો પર પણ ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.