દાહોદ તાલુકાના ખરેડી ગામે એક ૧૯ વર્ષીય યુવકે આત્મહત્યાનો પ્રયાસ.
સિંધુ ઉદય
દાહોદ તાલુકાના ખરેડી ગામે એક ૧૯ વર્ષીય યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરી પોતાના ગળાના ભાગે પતરી (બ્લેડ)ના ઉપરા છાપરી ઘા મારતાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સદ્ નસીબે હોસ્પિટલના તબીબોએ ગંભીર ઈજાગ્રસ્ત યુવકનો જીવ બચાવી લેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ખરેડી ગામે ડામોર ફળિયામાં રહેતાં છગનભાઈના એકનો એક દિકરો નીખીલભાઈએ પોતાના ગળાના ભાગે પતરી (બ્લેડ) વડે વારંવાર ઘા મારી આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. જાણવા મળ્યાં અનુસાર, ગતરોજ નિખીલભાઈ પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો. આ દરમ્યાન મોડી રાત્રી સુધી નિખિલભાઈ પોતાના ઘરે ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને નિખીલભાઈની શોધખોળ કરતાં તે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ગામમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક ધોરણે નિખીલભાઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તબીબોએ નિખીલભાઈની સારવાર હાથ ધરી નિખીલભાઈનો જીવ બચાવી લીધો હતો. નિખીલભાઈએ કયાં કારણોસર આત્મહત્યા કરવાની કોશિષ કરી હશે ? તે હાલ જાણી શકાયું નથી અને આ મામલે પોલીસ ચોપડે પણ કોઈ જાણવા જાેગ આપવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

