દાહોદ જિલ્લાના ૩.૪૧ લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રીલ મહિનાનું રાશન નિ:શુલ્ક મળશે
• શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો માટે રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય
• રાશન શોપ ઉપર એક પોલીસકર્મી સહિત ત્રણ સરકારી કર્મચારીને વ્યવસ્થાની નિગરાનીની ફરજ સોંપાશે
દાહોદ, તા. ૩૧ : દેશવ્યાપી ૨૧ દિવસીય લોકડાઉનના પરીણામે શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો રોજબરોજના રાશન માટે કોઇ મુંઝવણ ના અનુભવે તે માટે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રીલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. આ નિર્ણયને પરીણામે દાહોદ જિલ્લાના ૩.૪૧ લાખથી વધુ પરિવારોના ૧૮.૭૪ લાખ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનો એક મહિનાનો જથ્થો વિનામૂલ્યે મળશે. ઉપરાંત જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય પૂરાવા નથી તેઓ પણ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત એક મહિનાનું રાશન નિ:શુલ્ક મેળવશે.
આ યોજના અંતર્ગત એએવાય રાશનકાર્ડ ધરાવતા અંત્યોદય ૭૨,૨૬૫ કુંટુંબોને કાર્ડ દીઠ ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૧ કિલો ચણાદાળ આપવામાં આવશે. આ કાર્ડ ધરાવતા ૪,૦૨,૪૯૫ લોકોને તેનો લાભ મળશે. સાથે ૩ વ્યક્તિ સુધી કાર્ડદીઠ ૧ કિલો ખાંડ આપવામાં આવશે. ૩ થી વધુ હોય તો વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ મળશે.
પીએચએચ રાશનકાર્ડ હોય તેવા અગ્રતા ધરાવતા ૧,૮૨,૧૭૧ કુંટુંબોને વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫૦ કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો ચણાદાળ આપવામાં આવશે. આ કાર્ડ ધરાવતા ૧૦,૬૧,૯૨૬ લોકોને આ લાભ મળશે.
બીપીએલ રાશનકાર્ડ ધરાવતા ૧,૦૪,૧૫૭ કુંટુંબોના ૬,૩૫,૫૭૪ લોકોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ આપવામાં આવશે. તમામ એએવાય અને બીપીએલ કાર્ડધારક ૧,૭૬,૪૨૨ કુંટુંબોના ૧૦,૩૮,૦૬૯ લોકોને ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ૧ કિલો આયોડાઇઝડ મીઠું અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો કાર્ડદીઠ ૨ કિલો મીઠું આપવામાં આવશે.
તમામ અગ્રતા ધરાવતા ૭૮,૦૯૬ કુંટુંબો જે નેશનલ ફૂડ સિક્યોરીટી એકટ અંતર્ગત એપીએલ ૧ અને એપીએલ ૨ કાર્ડ ધરાવે છે તેમને કાર્ડદીઠ ૧ કિલો ખાંડ અને ૧ કિલો આયોડાઇઝડ મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. જે અંતર્ગત ૪,૨૬,૭૭૩ લોકો લાભાન્વિત થશે.
જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ સંદર્ભે જણાવ્યું કે, લાભાર્થી પરિવારોને તા. ૧ એપ્રીલથી રાશનનું વિતરણ કરવામાં આવશે. જે રાશનકાર્ડ ધારકોને જે દિવસે બોલાવવામાં આવે એ દિવસે જ ઉપસ્થિત થવાનું રહેશે. રાશન લેવા માટે કોઇ પણ પ્રકારની ભીડભાડ કરવી નહી અને સામાજિક અંતર જાળવી રાખવાનું રહેશે. જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય કોઇ પૂરાવા નથી અને અત્યંત ગરીબ છે તેમને પણ ‘અન્ન બ્રહ્મ’ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લોકોને એક મહિનાનું રાશન વિનામૂલ્યે આપવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે, રાશન વિતરણ વેળાએ ફેર પ્રાઇસ શોપ ઉપર એક સુરક્ષાકર્મી, એક રેવન્યુ કર્મચારી અને એક શિક્ષકને ફરજ સોંપવામાં આવશે અને તે સોશ્યલ ડિસ્ટન્સિંગ અંગેની વ્યવસ્થા, ટોકનિંગ સિસ્ટમની નિગરાની અને વ્યવસ્થા જોશે.
#Dahod sindhhuuday

