રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય દાહોદના મભયોના લાભાર્થી બાળકોને ફૂડ સિક્યુરિટી એલાઉન્સ પેટે રૂ. ૨.૧૩ કરોડ અપાશે
લોકડાઉન બાદ દાહોદ જિલ્લામાં ૩.૪૨ લાખ છાત્રોના બેંક ખાતામાં સીધા રૂ. ૨.૧૩ કરોડ જમા કરાવવામાં આવશે
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પગલે બંધ કરવામાં આવેલી શાળામાં મધ્યાહન ભોજન યોજના પ્રવૃત્તિ અટકી પડી છે. ત્યારે, રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય લઇ મધ્યાહન ભોજન યોજનાના બદલામાં અન્ન સલામતી ભથ્થા પેટે બાળકોને રોકડ ચૂકવવાનું નિયત કર્યું છે. દાહોદ જિલ્લામાં ૩.૪૨ લાખ છાત્રોને રૂ. ૨.૧૩ કરોડ આપવામાં આવશે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લાના ૩,૪૨,૭૪૩ છાત્રોને ૧૧ દિવસનું ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવશે. જેમાં ધોરણ એકથી પાંચ સુધીના બાળકોને પ્રતિ દિન રૂ. ૪.૯૩ લેખે અને ધોરણ છથી આઠના બાળકોને રૂ. ૬.૯૬ લેખે આ એલાઉન્સ ચૂકવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૧૬,૫૯,૨૯૨ ફાળવવામાં આવ્યા છે. મામલતદારોને કચેરી મારફત મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થી પ્રત્યેક બાળકના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ કામગીરી લોકડાઉન બાદ કરવામાં આવશે.
તાલુકા પ્રમાણે લાભાર્થીને મળનારા રોકડ ભથ્થાની વિગતો જોઇએ તો દાહોદમાં રૂ. ૪૭.૪૭ લાખ, ગરબાડા તાલુકામાં ૧૯.૫૧ લાખ, ધાનપુર તાલુકામાં ૧૫.૯૦ લાખ, દેવગઢ બારિયા તાલુકામાં રૂ. ૨૪.૯૪ લાખ, લીમખેડા તાલુકામાં ૧૯.૭૫ લાખ, સિંગવડ તાલુકામાં ૧૨.૧૫ લાખ, ઝાલોદ તાલુકામાં ૪૨.૫૫ લાખ, સંજેલી તાલુકામાં ૮.૬૩ લાખ અને ફતેપુરા તાલુકામાં ૨૨.૨૪ લાખ બાળકોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે.
આ ઉપરાંત, આંગણવાડીના બાળકોને ટેક હોમ રાશનના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગત્ત મંગળવારે પણ પૂર્ણા પેકેટ, માતૃશક્તિ સહિતના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાલ તા. ૩૧ને મંગળવારે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.
#dahod sindhuuday

