પરિણીતાએ ટીવીનું રીચાર્જ કરવાનું કહેતા પતિ ખીજાયો અને વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ.
નરેશ ગનવાણી નડિયાદ
પરિણીતાએ ટીવીનું રીચાર્જ કરવાનું કહેતા પતિ ખીજાયો અને વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ
વસોમાં રહેતી ૩૫ વર્ષિય યુવતીના લગ્ન આજથી લગભગ આઠ વર્ષ અગાઉ વસો તાલુકાના દાવડા ગામે રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા. એક વર્ષ તેના પતિએ સારી રીતે રાખતાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. જે હાલ ૭ વર્ષનો છે. આ પુત્રના જન્મ બાદ પરિણીતાને તેના સાસરીના પતિ અને સાસુ માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. પતિ અને સાસુ પરિણીતાને ઘરકામ બાબતે બોલાચાલી કરતા હતા. અને ગાળો બોલી ઝઘડો કરતા હતા અને ઘર ખર્ચ કાઢવા માટે પૈસાની જરૂરિયાત પડતા તેણીનો પતિ તેણી પાસે પૈસાની માંગણી કરતો હતો. પીડીતા તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરી પોતાની સાસરીમાં રહેતી અને પોતાના પિતાને તેના પતિ અને સાસુના આવા વ્યવહાર બાબતે જાણ કરતી હતી. જોકે, પિતાએ સમજાવ્યું કે, બેટા તું કેટલા ઘર કરીશ તારો પતિ તથા સાસુ સમય અંતરે સુધરી જશે અને સારું રાખશે તેમ કહી વાત પર પડદો પાડી દેતા હતાં. ગત 1 સપ્ટેમ્બરના રોજ તેણીનો પતિ નડિયાદ ખાતેની દુકાનેથી ઘરે આવ્યા એટલે પત્નીએ કહ્યું કે, આપણા ટીવીની ચેનલ છેલ્લા બે માસથી બંધ છે તો તમે ટીવીનું રિચાર્જ કરાવી ચાલુ કરાવી દો પતિએ કહ્યું કે ટીવી વેચી દેવાનું છે તો પત્નીએ કહ્યું કે તમે આખો દિવસ દુકાને હોવ હું ઘરે એકલી હોવ મારે સમય જતો નથી તમે મને ફોન પણ નથી લાવી આપતા કે ટીવી પણ ચાલુ નથી કરી આપતા તો મારે શું કરવું તેમ કહેતા પતિ એકા એક ખીજાયો હતો અને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો અને પતિએ પત્ની સાથે મારઝુડ કરી હતી. સાસુ પણ પતિનું ઉપરાણું લઈને કહ્યું કે તું તારા પિયરમાં જતી રહે ત્યાં તને બધી સુવિધાઓ મળશે તેમ કહી ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડીતાએ પોતાના પિતાને જાણ કરતા પિયરના લોકો સાસરીમાં દોડી આવ્યા હતા. જે બાદ પતિ અને સાસુએ કહી દીધું કે અમારે તેણીને રાખવાની નથી છુટાછેડા આપી દેવાના છે તેમ કહી સાસરીમાથી પીડીતાને રવાના કરી દીધી. પરિણીતાએ ન્યાય મેળવવા વસો પોલીસમાં પહોંચી પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.