ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં થી પાણી છોડાતા ખેડા જિલ્લાની ૩ નદીઓ ગાંડીતૂર, બેના મોત
નરેશ ગનવાણી નડિયાદ
ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં થી પાણી છોડાતા ખેડા જિલ્લાની ૩ નદીઓ ગાંડીતૂર, બેના મોત
ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે કડાણા, વણાકબોરી થી મોટી માત્રામાં પાણી નદીઓમાં છોડાતા મહિસાગર, વાત્રક, શેઢી નદીના પાણી ગામોમાં ફરી વળતા અનેક ગામો પ્રભાવિત થયા છે. તો અમૂક ગામોનો વાહન વ્યવહાર પર અસર પડતાં આવા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગળતેશ્વર, ઠાસરા, નડિયાદ, મહુધા અને ખેડા તાલુકાના 20થી વધુ ગામોમા નદીઓના પાણી ઘૂસી જતાં સ્થિતિ ગંભીર બની છે. ડાકોરને જોડતો બ્રિજ પર પાણી ફરી વળતા નવો બ્રિજ પર વાહન વ્યવહાર માટે શરુ કરાયો છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બનતા આ સ્થિતિ સર્જાઈ છે. ડિઝાસ્ટર વિભાગ નડિયાદ દ્વારા માહિતી મુજબ નદીના પાણીમાં ડૂબી જવાથી હાલ સુધી બે ના મોત થયા છે. જેમાં કપડવંજના વઘાસના પર્વતસિહ અંબાલાલ સોલંકી (ઉ.વ.૪૦) અને ઠાસરાના પીપલવાડામા રહેતા અરૂણભાઇ ભાઈલાલભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૧)નો સમાવેશ થાય છે. વધુમાં આ વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલ જિલ્લાના 5 તાલુકાના અંદાજીત ૫૧ ગામો આ ત્રણેય નદીના પ્રવાહથી પ્રભાવિત થયા છે. જેમાં નડિયાદ તાલુકાના શેઢી નદીના આસપાસના ગામો વડાલી, અંધારી આંબલી, અરેરા, આલજડા, દવાપુરા, હાથજ વિગેરે ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહુધા તાલુકાના ૩ ગામો, ખેડા તાલુકાના ૪ ગામો, ઠાસરા તાલુકાના ૨૫ ગામો અને ગળતેશ્વર તાલુકાના ૬ ગામો મળી કુલ ૫૧ ગામોનો સમાવેશ થાય છે. અહીંયા ધીમીધીમે પાણી ઓસરવાનુ શરુ થયું હોવાનું વિભાગ દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત માતર તાલુકાના ૭ જેટલા ગામો એલર્ટ પર છે.