દાહોદમાં વધે બે અફવાખોરોને પોલીસે દબોચી લીધા, પાંચ એફબી એકાઉન્ટ એડમિનને નોટિસ

લોકડાઉનનો ભંગ કરનારા ઉપર સીસી ટીવી કેમેરાથી વોચ, ગરબાડા, કતવારા અને જેસાવાડા વિસ્તારમાં એસઆરપીના જવાનોને પેટ્રોલિંગમાં ઉતારાયા

ગામના સરપંચો અને નગરપાલિકામાં વોર્ડ દીઠ પાંચ પોલીસ મિત્રોની મદદથી અફવાખોરો, ટીખળખોરોને નશ્યત કરવા પોલીસ મેદાને

દાહોદમાં ચોર ટોળકી આવી હોવાની અફવાઓ ફેલાવી લોકોને પરેશાન કરતા તત્વો સામે દાહોદ પોલીસે લાલ આંખ કરી છે. ગઇ કાલ રવિવાર અફવા ફેલાવનારા પાંચ શખસોની ધરપકડ કર્યા બાદ આજ સોમવારે વધુ બે અફવાખોરોને પોલીસે દબોચી લીધા છે. દાહોદ નગર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

ઉક્ત બાબતની પુષ્ટિ કરતા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે કહ્યું કે, અફવાખોરો સામે પોલીસ સખતાઇથી કાર્યવાહી કરી છે. છેલ્લા બે દિવસ દરમિયાન પોલીસ દ્વારા કુલ સાત અફવાખોરો સામે કાર્યવાહી કરવામાં આજ સોમવારે વધુ બે શખસોને પકડી લઇ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી સોશ્યલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી છે. દાહોદના પાંચ મોટા સોશ્યલ મીડિયા એકાઉન્ટના એડમિનને પોલીસ દ્વારા નોટિસ આપી વાંધાજનક પોસ્ટ ડીલીટ કરવા જણાવવામાં આવ્યું છે. આ તમામ ફેસબૂક એકાઉન્ટ છે.

દાહોદ સ્માર્ટ સિટી અને પોલીસના નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સીસી ટીવી કેમેરાથી પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મુવાલિયા ચોકડી પાસે એકઠા થયેલા લોકોની ઓળખ મેળવવામાં આવી રહી છે. ત્યાં એકત્ર થનારી વ્યક્તિની ઓળખ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ડીએસપી શ્રી જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના તમામ ગામોના સરપંચો સાથે પોલીસ દ્વારા મિટિંગ યોજીને આવી અફવા ફેલાવનારા લોકોથી સાવધાન રહેવા સમજ આપવામાં આવી છે. એ જ પ્રકારે નગરપાલિકા વિસ્તારોમાં વોર્ડ દીઠ પાંચ પોલીસ મિત્રોની મદદ લેવામાં આવી રહી છે.

ગરબાડા, કતવારા અને જેસાવાડા વિસ્તારમાં દસ વાહનો પેટ્રોલિંગમાં ઉતારવામાં આવ્યા છે અને તેની સાથે એસઆરપીની એક ટૂકડીના ૬૦ જવાનોને પણ જોડવામાં આવ્યા છે. લોકોની સુરક્ષા માટે દાહોદ પોલીસ દ્વારા તમામ પગલાં લઇ રહી છે. નાગરિકો પણ અફવાઓથી દોરાઇ નહી અને કોઇ પણ પ્રકારના સંકટ સમયે પોલીસનો સંપર્ક કરી શકે છે.

શ્રી જોયસરે અફવાખોરોને સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવામાં આવે. પોલીસ ટેક્નોલોજીના ઉ૫યોગથી તમામ પ્રકારના સોશ્યલ મીડિયા ઉપર ફરતા મેસેસીજ પર નજર રાખી રહી છે. અફવાખોરો સામે સખ્તાઇથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવી હિમાયત પણ કરી હતી કે વાંધાજનક સંદેશોઓ પ્રસરાવવામાં શિક્ષિત લોકો પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. શિક્ષિત લોકોએ માત્ર આધારભૂત માહિતી પર વિશ્વાસ રાખી, તેવી જ માહિતી લોકો સુધી આપવી જોઇએ. જેથી અન્ય લોકોમાં પણ સરળતાથી અફવાઓનું ખંડન થઇ શકે. આવા શિક્ષિત લોકો જો અફવા ફેલાવતા પકડાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: